હાઈફાઈ ઘરો બાંધવાની હોંશ વિસારે પાડીને મ્હાડા હવે ફરીથી પરવડે તેવા ઘરો બાંધશે…
મુંબઈ: ખાનગી વિકાસકારોને ટક્કર આપે તેવા ઘરો બનાવવાની હોંશમાં મ્હાડાએ ગોરેગામ, પ્રેમનગર ખાતે સ્વિમિંગ પૂલ, જીમ અને પોડિયમ પાર્કિંગ જેવી હાઈફાઈ સુવિધા વાળા ૩૩૨ ઘરોનું નિર્માણ કર્યું, પરંતુ ખરીદદારોને મોળા પ્રતિસાદને કારણે તેમની હોંશ પર પાણી ફરી વળ્યું છે. તેથી હવે ફરીથી મ્હાડાએ લોકોને પરવડી શકે તેવા ઘરોના બાંધકામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનો નિર્ણય ભાજપનો અને મારો તેને પૂર્ણ ટેકો: એકનાથ શિંદે
ગોરેગામ પ્રેમનગર ખાતે બંધાઈ રહેલા ૩૯ માળના ટાવરમાં મધ્યમ આવકના લોકો માટે ૨૨૭ તો ઉચ્ચ આવક ધરાવનારાઓ માટે ૧૦૫ ફ્લેટ છે. સપ્ટેમ્બરમાં મ્હાડાએ કુલ ૨૦૩૦ ઘરોના વેચાણ માટે જાહેરાત આપી હતી. તેમાં આ ૩૩૨ ઘરો પણ સામેલ હતા. આ ઘરો માટે ૧ કરોડ ૧૦ લાખથી લઈને ૧ કરોડ ૩૩ લાખ સુધીની કિંમત નક્કી કરવામાં આવી હતી.
ખાનગી વિકાસકો કરતાં આ ઘરોની કિંમત ઓછી હોવા છતાં માત્ર ૭ થી ૮ હજાર અરજીઓ જ આવી હતી. હવે મ્હાડાનાં મુખ્ય અધિકારી મિલિન્દ બોરીકરે જણાવ્યું કે કરોડોની કિંમતના ઘરોના માર્કેટમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ હોવાથી અમારું ધ્યાન હાઈફાઈ ઘરો બાંધવાના બદલે પરવડે તેવા ઘરો બાંધવા પર કેન્દ્રિત રહેશે.
મ્હાડાને આ જ્ઞાન આવવા પાછળનું કારણ પણ સ્પષ્ટ છે. ૨૦૩૦ ઘરોની લોટરીમાં અતિ અલ્પ આવક ધરાવતા લોકો માટેના ૩૫૯ ઘરો સામે ૪૭,૧૩૪ અરજીઓ, અને અલ્પ આવક સમૂહ માટેના ૬૨૭ ઘરો સામે ૪૮,૭૬૨ અરજીઓ આવી હતી.
નોંધનીય છે કે મધ્યમ આવક સમૂહ માટેના ૭૬૮ ઘરો માટે પણ ૧૧,૪૬૧ અરજીઓ પ્રાપ્ત થઇ હતી. જ્યારે ઉચ્ચ આવક જૂથના ૨૭૬ ઘરો સામે ૬૪૫૪ અરજીઓ મળી હતી.
આ પણ વાંચો : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ ગતિ આવી
મ્હાડા આપશે દુકાનો ખરીદવાની તક
માર્ચ મહિનામાં મ્હાડાએ ૧૭૩ દુકાનોના વેચાણ માટે જાહેરાત બહાર પાડી હતી, જેમાંથી ૬૧ દુકાનોને શૂન્ય પ્રતિસાદ મળ્યો હતો. વેચાયા વિના પડી રહેલી આ વ્યાપારી મિલકતોને વેચવા મ્હાડા ફરી એકવાર પ્રયત્ન કરશે. આ દુકાનોના લીલામ માટે વહેલો તે પહેલો ધોરણે વેચાણ માટે મ્હાડા અભ્યાસ કરી રહ્યું છે. વિવિધ પ્રકલ્પો હેઠળ મલાડ, ગોરેગામ, પવઈ, ચારકોપ ખાતે ૧૭૩ દુકાનો માટે મ્હાડાએ જાહેરાત બહાર પાડી હતી. તેની સામે ૬૦૪ અરજીઓ મળી હતી. પરંતુ ૬૧ દુકાનો વેચી શકાઈ નહોતી.
તેમાંથી સ્વદેશી મિલ ૩, મુલુન્ડ ગવનપાડા ૧, તુંગા પવઈ ૨, ચારકોપ ૧૦, માલવણી ૩૧, બિંબિસાર ૫ અને જોગેશ્વરી ખાતે ૧ ગાળાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ૭ થી ૮ અરજીઓ તકનીકી કારણોસર રદ થઇ હતી. આ ધૂળ ખાઈ રહેલી દુકાનોમાં મ્હાડાનું રોકાણ અટકેલું રહે છે, ઉપરાંત તેના દેખભાળનો ખર્ચ પણ માથે આવે છે.