સપના ગિલની છેડતીના કિસ્સામાં મેટ્રોપોલિટન કોર્ટે આપ્યો તપાસનો આદેશ
મુંબઈઃ 2023માં જાણીતા ક્રિકેટર પૃથ્વી શો દ્વારા સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર સપના ગિલની છેડતીના કેસમાં કોર્ટે પોલીસને તપાસનો આદેશ આપ્યો છે. મેટ્રોપોલિટન કોર્ટે પોલીસને આ કેસમાં તપાસ કરીને 19મી જૂન સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું.
ગિલે પોલીસ દ્વારા પૃથ્વી વિરુદ્ધ એફઆઈઆર નહીં કરવાની ફરિયાદ કરતી અરજીને પણ કોર્ટે ફગાવી દીધી હતી. જોકે, શોએ તેની વિરુદ્ધના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. ગિલે શો વિરુદ્ધ અંધેરીમાં જાહેરમાં છેડતી કરવાનો આક્ષેપ કર્યો હતો એની સાથે શોના મિત્ર આશિષ યાદવ વિરુદ્ધ પણ છેડતી અને તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોચાડવાની ફરિયાદ કરી હતી. બાદમાં પોલીસે કેસ નહીં નોંધવાની ફરિયાદ લઈને કોર્ટ સમક્ષ હાજર થઈ હતી.
આ પણ વાંચો : ઔરંગાબાદમાં કાપડની દુકાનમાં આગ, બાળકો-મહિલાઓ સહિત 7ના મોત જ્યારે ઠાણે જુથ અથડામણમાં એકનું મોત
જોકે પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે ગિલે જે આક્ષેપો કર્યા છે કે તેની અંધેરીમાં છેડતી થઈ હતી, તેવા તમામ આક્ષેપ ખોટા છે અને કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે સીસીટીવીની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ગિલ અને તેનો મિત્ર શોભિત ઠાકુર નશાની હાલતમાં ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા.
બાદમાં ઠાકુર પૃથ્વી શોનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરવા લાગે છે પણ ક્રિકેટર તેને એમ કરતા રોકી દે છે. પોલીસ મુજબ ફૂટેજમાં શો અને અન્યમાંથી કોઈ પણ ગિલની છેડતી કરતા દેખાતા નથી.
પોલીસે જણાવ્યું હતું કે અમે સાક્ષીઓના નિવેદનો પણ લીધા છે, જેમણે ગિલની છેડતી થઈ હોવાનું નકારી કાઢ્યું છે. તેમણે એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરના સીસીટીવી પણ તપાસ્યા છે, જેમાં સાફ જોઈ શકાય છે કે ગિલ હાથમાં બેસબોલ બેટ લઈને શોની કારનો પીછો કરી રહી છે, અને જાણવા મળ્યું છે કે તેણે ક્રિકેટરની કારના કાચ પણ તોડ્યા હતા.