મુંબઈમાં મેટ્રો (વન)ની ટ્રેનસેવા ખોરવાઈ, જાણો કારણ શું?

મુંબઈ: 68.93 કિમીનો મેટ્રો નેટવર્ક ધરાવતું મુંબઈ દેશમાં ચોથા ક્રમાંકે છે. લોકલ ટ્રેન સિવાય મોટોભાગના લોકો મેટ્રો સેવાનો ઉપયોગ પણ કરે છે. પરંતુ આજે સાંજે મેટ્રો સેવા ખોરવાઈ હતી. જેનાથી મેટ્રો સ્ટેશન પર લોકો ટોળે વળ્યા હતા.
પિક અવર દરમિયાન મેટ્રો અટકી
ઘાટકોપર-અંધેરી-વર્સોવા (વન) રૂટ મેટ્રોનો સૌથી વ્યસ્ત રૂટ ગણાય છે. આજે આ રૂટ પર સાંજના પિક અવર દરમિયાન મેટ્રો સેવા ઠપ્પ થઈ ગઈ હતી. વર્સોવા સ્ટેશન પાસે એક જગ્યાએ બાંધકામ ચાલી રહ્યું હતું. જ્યાંથી એક પ્લાસ્ટિક શીટ ઉડીને ઓવરહેડ વાયર પર પડી હતી. જેથી થોડા સમય માટે અટકી ગઈ હતી. જેનાથી યાત્રીઓને હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી.
સ્ટેશન પર જામી યાત્રીઓની ભીડ
મુંબઈ મેટ્રો (વન)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “મેટ્રોના ટ્રેક પર વીજ પુરવઠો પૂરી પાડતી લાઈન પર પ્લાસ્ટિક શીટ આવીને પડી હતી. શીટને હટાવ્યા બાદ મેટ્રો સેવાને ફરી શરૂ કરવામાં આવી હતી. જોકે, મેટ્રો સેવા અટકવાના કારણે અંધેરી, વર્સોવા અને ઘાટકોપર સ્ટેશન પર યાત્રીઓની ભીડ જામી ગઈ હતી.” આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એ માટે યાત્રીઓએ સુરક્ષાના માપદંડોને કડક કરવાની માંગ કરી છે.
એક મહિનામાં બે વાર અટકી મેટ્રો
ઉલ્લેખનીય છે કે, 16 જૂનના રોજ આઝાદ નગર સ્ટેશન પાસે પણ આવી જ એક ઘટના ઘટી હતી. મુંબઈમાં મેટ્રોના ચાર કોરીડોર છે. જે પૈકી 11.8 કિમીની લંબાઈ ધરાવતો ઘાટકોપર-અંધેરી-વર્સોવા (વન) શહેરનો સૌથી વ્યસ્ત રૂટ છે.