મેટ્રો 9 રૂટ: પર્યાવરણના મુદ્દે ઉત્તન ડોંગરીમાં કારશેડ રદ થશે?

દહિસર – મીરા ભાયંદર મેટ્રો-9 કોરિડોર પરના કારશેડ માટે 12,000થી વધુ વૃક્ષ કાપવા સામે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ ઉત્તન સ્થિત ડોંગરી વિસ્તારમાં દહિસર – મીરા ભાયંદર મેટ્રો – 9 કોરિડોર પર કારશેડ બનાવવાનો નિર્ણય લીધો હતો.
જોકે, આ કારશેડના બાંધકામ માટે આ લીલાછમ વિસ્તારમાં 12 હજારથી વધુ વૃક્ષો કાપવા પડે એમ હોવાથી સ્થાનિકોએ આ જમીન પર કારશેડ બનાવવા સામે તીવ્ર વિરોધ નોંધાવી જન આંદોલન શરૂ કર્યું છે. સ્થાનિકોના આ વિરોધને ધ્યાનમાં રાખી એમએમઆરડીએ ડોંગરી કારશેડ રદ કરશે એવી અટકળો વહેતી થઈ છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: મીરા રોડ હવે દૂર નથી: ફડણવીસે મેટ્રો-9ના ટ્રાયલ રનનું ઉદ્ઘાટન કર્યું
મેટ્રો 9 રૂટ પરનો કારશેડ શરૂઆતથી જ વિવાદાસ્પદ રહ્યો છે. આ કોરિડોરમાં કાર શેડની દરખાસ્ત સામે સ્થાનિકોના તીવ્ર વિરોધ બાદ રાજ્ય સરકાર અને એમએમઆરડીએ દ્વારા કાર શેડને ઉત્તન ડોંગરી વિસ્તારમાં ખસેડી 59.7 હેક્ટર જમીન પણ સંપાદન કરી હતી.
કારશેડના બાંધકામ માટે 701 કરોડનો ખર્ચ થવાની ધારણા છે અને એના નિર્માણ માટે કુલ 12 હજાર 400 વૃક્ષો કાપવા પડે એમ છે. આ દિશામાં કામ ચાલી રહ્યું છે, પણ સ્થાનિકોએ આ વૃક્ષો કાપવાનો જોરશોરથી વિરોધ કર્યો છે.
આ પણ વાંચો: Metro 9: દહિસરથી ભાયંદર મેટ્રો અંગેની જાણો નવી અપડેટ, ક્યારે શરુ થશે?
મીરા-ભાયંદરનો આ સૌથી મોટો હરિયાળો વિસ્તાર છે અને જો આ વિસ્તારનો નાશ થશે તો પર્યાવરણ બગડશે એવો મુદ્દો ઉપસ્થિત કરી સ્થાનિકોએ કારશેડ નાબૂદ કરવા માટે જન આંદોલન શરૂ કર્યું હતું.
સ્થાનિકોએ વૃક્ષો કાપવા માટે હાથ ધરવામાં આવેલા વૃક્ષ સર્વેક્ષણના અહેવાલ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. પર્યાવરણવિદોએ એમએમઆરડીએને ફરિયાદ કરી છે કે વૃક્ષોની ઉંમર જાણી જોઈને ઓછી દર્શાવવામાં આવી છે.



