મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાવા બદ્દલ કોન્ટ્રાક્ટરને ૧૦ લાખ રૂપિયાનો દંડ…

મુંબઈ: મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો પ્રોજેક્ટ મેટ્રો ૩ પર વર્લી નાકા ખાતે આચાર્ય અત્રે ચોક મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયા ગયા બાદ વિપક્ષી પાર્ટીએ મેટ્રોના કામ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને સરકારની પણ ટીકા થઈ હતી. હવે તે ઘટનાના સંદર્ભમાં કોન્ટ્રાક્ટરને ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
૨૬ મે, ૨૦૨૫ના મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે આચાર્ય અત્રે ચોક મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાઈ ગયું હતું. આ મામલાની તપાસમાં બેદરકારી અને આયોજનમાં ભૂલો જોવા મળી હોવાથી ડોગસ-સોમા જે.વી. કંપનીના કોન્ટ્રાક્ટરને ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મેટ્રો સ્ટેશન પર પાણી ઘૂસવાની ઘટના મુખ્યત્વે બી. ટુ એન્ટ્રી/એક્ઝિટ ઇન્ટરફેસ પર સ્થાપિત કામચલાઉ ફાયર બેરિયર સિમેન્ટ પ્રીકાસ્ટ પેનલ વોલમાં નિષ્ફળતાને કારણે બની હતી. બેરિયર ફાટી ગયું હતું, જેના કારણે વરસાદી પાણી અને કાટમાળ સ્ટેશન બોક્સમાં પ્રવેશી ગયુ હતું, જેના કારણે કાદવ એકઠો થયો હતો અને પાણીનો પ્રવાહ પ્લેટફોર્મ, કોનકોર્સ, અંડરક્રોફ્ટ લેવલ, એએફસી સિસ્ટમ, સિગ્નલિંગ, ટેલિકોમ, ઇલેક્ટ્રિકલ સાધનો અને કંટ્રોલ રૂમમાં પહોંચ્યો હતો.
જોકે, ઘટના સમયે, કોન્ટ્રાક્ટરનો ઓપરેટર સમયસર પગલાં લેવામાં નિષ્ફળ રહ્યો હતો. પંપ સમયસર શરૂ ન થવાને કારણે સમગ્ર સ્ટેશનમાં પાણી ફેલાઈ ગયું હતું. આ બેદરકારીની ગંભીર નોંધ લેતા, સીજી/ચીફ પ્રોજેક્ટ મેનેજર-૧ રાજેશ કુમાર મિત્તલે કોન્ટ્રાક્ટર ડોગસ-સોમા જે.વી.ને કારણદર્શક નોટિસ મોકલી હતી. આ કંપનીની ભૂલ સાબિત થયા બાદ રૂ. ૧૦ લાખનો નાણાકીય દંડ ફટકારવામાં આવ્યો છે.