Election: મુંબઈમાંથી 245 કરોડથી વધુની મૂલ્યાવાન ધાતુઓ, 45 કરોડથી વધુની રોકડ જપ્ત…

મુંબઈ: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ આચારસંહિતા લાગુ થયા બાદ મુંબઈ અને ઉપનગરોમાંથી 45 કરોડથી વધુની રોકડ તેમ જ 245 કરોડ રૂપિયાની કીમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. આ પ્રકરણે 30 જેટલા દખલપાત્ર અને બિનદખલપાત્ર ગુના નોંધવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Assembly Election: દાનવેની દીકરીએ રડતા રડતા પતિની કરી નાખી મોટી વાત..
ચૂંટણી પંચની વિજિલન્સ ટીમે દક્ષિણ મુંબઈમાંથી અત્યાર સુધી 32.97 કરોડની રોકડ, 12.87 લાખની કિંમતનો 2,800 લિટર દારૂ, 4.17 કરોડ રૂપિયાનું ડ્રગ્સ તેમ જ 6.97 કરોડ રૂપિયાની કીમતી વસ્તુઓ જપ્ત કરી હતી, જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાંથી 12.60 કરોડની રોકડ, 1.10 કરોડની કિંમતનો 39,385 લિટર દારૂ, 44.97 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ અને 238 કરોડ રૂપિયાથી વધુની કીમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
પાલઘર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન સત્તાવાળાઓએ રોકડ, દારૂ તથા અન્ય સામગ્રી જપ્ત કરી હતી, જેની કિંમત 22 કરોડ રૂપિયા છે.
પાલઘરના કલેક્ટર અને ચૂંટણી અધિકારી ગોવિંદ બોડકેએ કહ્યું હતું કે જપ્તિમાં 16.14 કરોડની રોકડ, 2.46 કરોડ રૂપિયાનો દારૂ, 26.82 લાખ રૂપિયાનું ડ્રગ્સ, લેપટોપ, સાડી તેમ જ કૂકરનો સમાવેશ હતો. 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર સોમવારે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઇ ગયો હતો.
પાલઘર જિલ્લાના છ વિધાનસભા મતક્ષેત્રોમાં કુલ 2,292,066 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે જેના માટે 53 ઉમેદવારો મેદાનમાં છે. કુલ મતદારોમાંથી 1,187,589 પુરુષ મતદારો, 1,104,246 મહિલા મતદારો અને 231 વ્યંડળો છે.
સમગ્ર જિલ્લામાં 2,274 મતદાનમથકો હશે, જેમાં બે જટિલ માનવામાં આવે છે. સાત બૂથ પર વિશેષ ધ્યાન રાખવામાં આવશે, જેનું સંચાલન આદિવાસી અને માછીમાર સમુદાયના સભ્યો દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર સમાપ્ત; 20 નવેમ્બરે મતદાન
ચૂંટણી પ્રક્રિયા સરળ અને સુરક્ષિત રીતે પાર પડે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2,782 જેટલા પોલીસ કર્મચારીઓ, 2,041 હોમ ગાડર્સ અને સીઆઇએસએફની આઠ કંપનીને તહેનાત કરવામાં આવશે.