થાણેમાં 2.14 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત:મધ્ય પ્રદેશના વેપારી સહિત ચાર ઝડપાયા…

યોગેશ ડી. પટેલ
થાણે: થાણેમાં પોલીસે કારને આંતરીને 2.14 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને આ પ્રકરણે મધ્ય પ્રદેશના વેપારી સહિત ચારની ધરપકડ કરી હતી. થાણે પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી)ની ટીમે સોમવારે સાંજે પેટ્રોલિંગ દરમિયાન ચરઇ વિસ્તારમાં એમટીએનએલ ઓફિસ નજીક કારને શંકાને આધારે આંતરી હતી.
દરમિયાન કારની તલાશી લેવામાં આવતાં 2.14 કરોડ રૂપિયાનું 1.716 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને પગલે કારમાં હાજર ચાર જણને તાબામાં લેવાયા હતા અને કાર જપ્ત કરાઇ હતી, એમ નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
ચારેય જણની ઓળખ કારનો ડ્રાઇવર ઇમરાન ઉર્ફે બચ્ચુ કિઝાર ખાન (37) વેપારી વકાસ અબ્દુલ રબ ખાન (30), ખેડૂત તાકુદ્દીન રફીક ખાન (30) અને મજૂર કમલેશ અજય ચવાણ (23) તરીકે થઇ હતી. ચારેય જણ મધ્ય પ્રદેશના રહેવાસી છે.
ચારેય વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ ડ્રગ્સ કોને વેચવા માટે થાણે આવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



