ભાગેડુ મેહુલ ચોક્સીને મુંબઈની જેલમાં તખતો તૈયાર, બેરેક નંબર 12ની તસવીરો જુઓ

મુંબઈઃ આર્થર રોડ જેલનું નામ સાંભળતા ભલભલા ગુનેગારોને પરસેવો છૂટી જતો હોય છે, જ્યાં અંધેરી કોઠડી અને ડઝન ફૂટની ઊંચી દીવાલો સિવાય ક્યાંય કશું જોવા મળતું હોતું નથી, પણ વિદેશી કેદીઓને પણ નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે રાખવામાં આવે છે, જે અન્વયે ભારતના ભાગેડુ ગુનેગાર મેહુલ ચોક્સીને મુંબઈની જેલમાં રાખવાનો માર્ગ મોકળો બની ગયો છે.
ભારતે બેલ્જિયમના અધિકારીઓને મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર 12ની તસવીરો મોકલી છે. એની સાથે મેહુલ ચોક્સીના એ દાવાઓને પણ ફગાવી દેવામાં આવ્યા છે કે ભારતની જેલમાં માનવઅધિકારોનો ભંગ થાય છે.
આપણ વાંચો: ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને બેલ્જિયમની કોર્ટની લીલી ઝંડી, ભારતની મોટી કાયદાકીય જીત!
ભાગેડુ મેહુલ ચોક્સીને લઈને ભારત સરકારે મહત્ત્વનું પગલું ભર્યુ છે, જેને રાખવા માટે મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર બારમાં રાખવામાં આવશે, જ્યારે એની તસવીરો બેલ્જિયમને સોંપવામાં આવી છે, જેથી પ્રત્યાર્પણ પછી ચોક્સીને અહીં રાખવામાં આવશે. સોશિયલ મીડિયા પરની વાયરલ તસવીરોમાં બેરેક 46 વર્ગ મીટરમાં ફેલાયેલી છે, જેમાં બે સેલ છે.
મૂળભૂત સુવિધા સાથે ખાનગી શૌચાલય પણ છે. સરકારે મેહુલ ચોક્સીના દાવાઓને ફગાવવા માટે ફોટોગ્રાફ્સ પણ આપ્યા છે, જેમાં દાવો કર્યો હતો કે ભારતની જેલમાં માનવઅધિકારોનું ઉલ્લંઘન થાય છે અને અસુરક્ષિત છે.
આપણ વાંચો: 55 કરોડના ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સી અને અન્યોને અદાલતે આપી હંગામી રાહત…
મીડિયાના અહેવાલ મુજબ મેહુલ ચોક્સીને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે, જે હાઈ સિક્યોરિટીવાળી જેલ છે.એક જમાનામાં 26/11 આતંકવાદી હુમલાના આતંકવાદી અજમલ કસાબને રાખવામાં આવ્યો હતો એવું પણ સરકારી રિપોર્ટમાં જણાવ્યું છે.
ચોક્સીને જેલની બહાર ફક્ત મેડિકલ કારણસર અથવા કોર્ટમાં હાજર કરવા માટે લઈ જવામાં આવશે. તેની દેખરેખ તપાસ એજન્સી નહીં, પરંતુ કોર્ટના અધિકારક્ષેત્રમાં રહેશે. ભારતે કોર્ટને જણાવ્યું છે કે જેલમાં તમામ માનવઅધિકારનું પાલન અને મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ છે.
ચોક્સીની ટીમે બેલ્જિયમની કોર્ટમાં દલીલ કરી હતી કે ભારતની જેલની સ્થિતિ ખરાબ છે તેમ જ ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કામ કરતું નથી. જોકે, કોર્ટે આ દાવાઓને પણ ફગાવી દેતા કહ્યું હતું કે ચોક્સી દ્વારા રજૂ કરાયેલા અહેવાલો યોગ્ય નથી અને એ વાત પણ સાબિત કરતા નથી કે તેને ભારતમાં કોઈ અન્યાય કે સતામણીનો સામનો કરવો પડશે. કોર્ટે જણાવ્યું હતું કે મોટા કૌભાંડોનું મીડિયા કવરેજ પણ સામાન્ય છે અને તે ન્યાયિક પક્ષપાતનો પુરાવો નથી.