મહેસાણાથી આવેલા દંપતીના સવા મહિનાના પુત્રનું ગોરેગામથી અપહરણ: ચાર પકડાયા
બાળકીને બદલે ભૂલથી બાળકનું અપહરણ: વેચવા માટે બાળકીનું અપહરણ કરવાની યોજના હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રમજાન મહિનો ચાલતો હોવાથી ચાદર વેચવા ગુજરાતના મહેસાણાથી આવેલા દંપતીના સવા મહિનાના બાળકનું ગોરેગામથી અપહરણ કરવાના કેસમાં પોલીસે બે મહિલા સહિત ચારની ધરપકડ કરી હતી. વેચવા માટે બાળકીની શોધમાં રહેલા આરોપી ભૂલથી બાળકનું અપહરણ કરી ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
વનરાઈ પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રાજુ ભાનુદાસ મોરે (47), મંગલ રાજુ મોરે (35), ફાતિમા જિલાની શેખ (37) અને મોહમ્મદ આસિફ મોહમ્મદ ઉમર ખાન (42) તરીકે થઈ હતી. કોર્ટે આરોપીઓને 13 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો: યુવાન પ્રેમીને પામવા મહિલાએ ભાભીના ત્રણ મહિનાના બાળકનું અપહરણ કર્યું…
અધિકારીના જણાવ્યા મુજબ ગુજરાતના મહેસાણા જિલ્લામાં રહેતું દંપતી સુરેશ સલાટ અને સોની સલાટ સવા મહિનાના દીકરા સાથે આવ્યું હતું. દંપતી કામચલાઉ ધોરણે વસઈમાં રહેતું અને ચાદર વેચવા મુંબઈ આવતું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર દંપતી બીજી માર્ચે ચાદર વેચવા ગોરેગામ આવ્યું હતું ત્યારે રાતે ખાસ્સું મોડું થઈ ગયું હતું. વસઈ જવા ટ્રેન ન મળતાં દંપતી ગોરેગામ હાઈવે પાસેના એક બસ સ્ટોપ પર સૂઈ ગયું હતું. દંપતી સવારે સાડાસાત વાગ્યાની આસપાસ ઊંઘમાંથી જાગ્યું ત્યારે બાળક ગુમ હોવાની જાણ થઈ હતી.
આ પણ વાંચો: ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના, સિનિયર ડોક્ટરોએ અપહરણ કર્યું ને પછી…
આ પ્રકરણે વનરાઈ પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સિનિયર ઈન્સ્પેક્ટર રાજુ માનેએ બાળકની શોધ માટે અધિકારીઓની છ અલગ અલગ ટીમ બનાવી હતી. બાળકને રિક્ષામાં લઈ જવાયું હોવાની માહિતી મળતાં પોલીસે 11,000 રિક્ષાની માહિતી એકઠી કરી વિશ્લેષણ કર્યું હતું. આરોપીના જૅકેટ અને રિક્ષા પાછળના સ્ટિકરની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી.
મલાડના માલવણી વિસ્તારમાં અંબુજવાડી ખાતેથી પોલીસે રિક્ષા ડ્રાઈવર મોરે, તેની બન્ને પત્ની મંગલ અને ફાતિમા તેમ જ પ્લમ્બર ખાનને પકડી પાડ્યાં હતાં. તેમની પાસેથી બાળકને છોડાવી વડીલોના તાબામાં સોંપાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બાળકીની ડિમાન્ડ હોવાથી આરોપી એક બાળકીનું અપહરણ કરીને તેને વેચી દેવાના હતા. જોકે બાળકીને બદલે ભૂલથી તેમણે બાળકનું અપહરણ કર્યું હતું. પરિણામે બાળક વેચી શક્યા નહોતા, એવો દાવો આરોપીએ કર્યો હતો