ગેરકાયદેસર ખાણકામ બદલ મેઘા એન્જિનિયરિંગને 94 કરોડ રૂપિયાનો દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ શુક્રવારે વિધાનસભાને એવી માહિતી આપી હતી કે રસ્તાના બાંધકામ દરમિયાન ગૌણ ખનીજોના ગેરકાયદે ખાણકામ બદલ મેઘા એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને 94.68 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે કંપનીએ એક કેસમાં દંડની રકમનો 1 ટકા જમા કરાવ્યા બાદ તેની અપીલની સુનાવણી બાકી હોવાથી કંપનીની જપ્ત કરાયેલી મશીનરી મુક્ત કરવામાં આવી હતી.
આપણ વાંચો: ઝારખંડના રામગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન દરમિયાન દુર્ઘટના; 4ના મોત,6 ગંભીર ઘાયલ
હૈદરાબાદ સ્થિત મેઘા એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાજેતરમાં સમાચારમાં હતી, કારણ કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ તેના હરીફ બિડર એલ એન્ડ ટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં ટેન્ડર પ્રક્રિયાને પડકારવામાં આવ્યા બાદ મેઘાને આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો.
જાલના જિલ્લામાં શેગાંવ અને પંઢરપુરની તીર્થયાત્રાના માર્ગો પર રસ્તાના બાંધકામ દરમિયાન ગૌણ ખનીજોનું ગેરકાયદેસર ખોદકામ કરવાનો મેઘા એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આરોપ હતો.
આપણ વાંચો: ગેરકાયદેસર રેતી ખનન પર રોક લગાવવા મહારાષ્ટ્ર સરકાર ડ્રોન આધારિત સર્વેક્ષણ
‘વિવિધ કેસોમાં જાલનાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે 38,70,05,520 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને પરતુર (જાલના જિલ્લા)ના તહસીલદારે વિવિધ આદેશો દ્વારા 55,98,55,600 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો,’ એવી માહિતી પ્રધાને ભાજપના વિધાનસભ્ય બબનરાવ લોણીકરના સવાલના લેખિત જવાબમાં જણાવ્યું હતું.
કંપનીએ આદેશોને પડકાર્યા હોવાથી, રાજ્યના તિજોરીમાં પરતુર તહસીલદાર સમક્ષ થયેલા કેસમાં દંડની રકમના એક ટકા 17.28 લાખ રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો, એમ પણ બાવનકુળેએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે તહસીલદારે કંપની સામે સાત અન્ય કેસ દાખલ કર્યા છે.