આવતીકાલે Local Trainમાં મુસાફરી કરવાના છો? આ વાંચી લો નહીં તો થશે Mega હાલ…

મુંબઈઃ ટ્રેક મેઈન્ટનન્સ અને રેલવે સિગ્નલના સમારકામ માટે દર રવિવારે રેલવે દ્વારા વિવિધ લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવે છે. આવતીકાલે પણ રેલવે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે મુંબઈ લોકલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓના પણ મેગા હાલ થવાના છે.
જો તમે પણ આવતી કાલે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો તો પહેલાં આ સમાચાર વાંચી લો અને એ પ્રમાણે જ તમારું ટ્રાવેલ પ્લાન કરજો, જેથી તમારે હાલાકીનો સામનો ન કરવો પડે અને તમારો પ્રવાસ આરામદાયક બની રહે.
મધ્ય રેલવે પર આવતીકાલે સવારે 11વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી મુલુંડ- માટુંગા વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે બ્લોકના સમયગાળા દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લોકો મુલુંડ-માટુંગા વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. માટુંગા બાદ આ ટ્રેનો ફરી ફાસ્ટ ટ્રેક પર દોડાવવામાં આવશે એવી માહિતી મધ્ય રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
હાર્બર લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી કુર્લા- વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન CSMTથી વાશી, બેલાપુર, પનવેલ માટે અને પનવેલ, બેલાપુર, વાશીથી CSMT માટે રવાના થનારી લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. પ્રવાસીઓને ટ્રાન્સ હાર્બર લાઈન પર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવે પર આજે મધરાતે 1.30 કલાકથી વહેલી સવારે 4.40 કલાક સુધી વસઈ રોડથી વૈતરણા વચ્ચે જમ્બો નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. જેમાં રાતે 11.50 કલાકથી બપોરે 2.50 કલાક સુધી અપ ફાસ્ટ લાઈન અને મધરાતે 1.40 કલાકથી વહેલી સવારે 4.40 કલાક સુધી ડાઉન ફાસ્ટ લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે.