Mega Block News: આ બે લાઈનમાં હશે ટ્રેનોના ધાંધિયા જ્યારે આ લાઈનના પ્રવાસીઓને મળશે હાલાકીમાંથી મુક્તિ…

મુંબઈ: અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે બાળકોને કે મહેમાનોને લઈને લઈને મુંબઈ દર્શન પર નીકળવાનો વિચાર કરી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો. કયાંક એવું ન થાય કે તમારી રજાની મજા સજામાં પરિણમે, કારણ કે દર રવિવારની જેમ જ આ રવિવારે પણ રેલવે દ્વારા ટ્રેક, સિગ્નલ મેઈન્ટેનન્સ જેવા વિવિધ કામ હાથ ધરશે જેને કારણે લોકલ ટ્રેનોના ધાંધિયા થવાની શક્યતા છે. રેલવે દ્વારા મેગા બ્લોક (Railway Announce Mega Block) લેવાની જાહેરાત કરવામાં આવી છે.
રેલવેના વરિષ્ઠ અધિકારીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે આવતીકાલે મધ્ય રેલવે (Central Railway) પર મુલુંડ- માટુંગા વચ્ચે અપ ડાઉન ફાસ્ટ લાઈન (Mulund- Matunga up down fast line) પર બ્લોક લેવામાં આવશે. આ બ્લોક સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન અપ ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનો મુલુંડ માટુંગા વચ્ચે અપ ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. જેને કારણે ટ્રેનો 10થી 15 મિનિટ મોડી પડવાની શક્યતા રેલવે અધિકારી દ્વારા વ્યકત કરવામાં આવી છે.
જ્યારે હાર્બર લાઈન (Harbour Line) પર સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી સુધી કુર્લા-વાશી વચ્ચે અપ ડાઉન સ્લો લાઈન (Kurla-Vashi up down slow line)પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વાશી, બેલાપૂર તેમ જ પનવેલથી સીએસએમટી માટે રવાના થનારી તેમ જ સીએસએમટીથી વાશી, બેલાપૂર તેમ જ પનવેલ માટે રવાના થનારી લોકલ ટ્રેનો રદ્દ કરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન પ્રવાસ કરવા માંગતા પ્રવાસીઓ થાણા, વાશી અને નેરૂલથી પ્રવાસ કરી શકશે, એવું રેલવેના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત પશ્ચિમ રેલવેની વાત કરીએ તો આવતી કાલે પશ્ચિમ રેલવે દ્વારા કોઈ પણ પ્રકારનો મેગા બ્લોક લેવાની જાહેરાત કરવામાં નથી આવી જેને કારણે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને હાલાકીમાંથી રાહત મળશે.