સિમેન્ટના ગોદામમાંથી 8.15 કરોડનું મેફેડ્રોન જપ્ત: બેની ધરપકડ

મુંબઈ: વસઈના સિમેન્ટના ગોદામમાં ધમધમતા મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવવાના કારખાના પર કાર્યવાહી કરી મુંબઈની સાકીનાકા પોલીસે 8.15 કરોડ રૂપિયાનું મેડી જપ્ત કર્યું હતું. આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
પકડાયેલા બન્ને આરોપીની ઓળખ બાન્દ્રામાં રહેતા સાદીક સલીમ શેખ (28) અને મીરા રોડમાં રહેતા સિરાજ પંજવાની (57) તરીકે થઈ હતી. આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
મળેલી માહિતીને આધારે પોલીસે સાકીનાકાના કાજુપાડા વિસ્તારમાંથી ગયા સપ્તાહે શેખને તાબામાં લીધો હતો. તેની પાસેથી 10 લાખ રૂપિયાનું એમડી મળી આવ્યું હતું. શેખે આ ડ્રગ્સ પંજવાની પાસેથી પ્રાપ્ત કર્યું હોવાનું પૂછપરછમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: ભાંડુપમાંથી 50 કરોડનું મેફેડ્રોન જપ્ત: મહાડની લૅબોરેટેરીમાં બનતું હતું ડ્રગ્સ
તપાસ દરમિયાન પોલીસે પંજવાનીને મીરા રોડથી પકડી પાડ્યો હતો. પંજવાનીએ આ ડ્રગ્સ કાલુરામ ચૌધરી પાસેથી ખરીદતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસ ચૌધરીના વસઈ સ્થિત ઠેકાણે પહોંચી હતી.
વસઈના કામણ ગાંવ ખાતે સિમેન્ટનું ગોદામ ધરાવતા ચૌધરીએ એ ખૂણામાં ડ્રગ્સનું કારખાનું શરૂ કર્યું હતું. ચૌધરી પોલીસને હાથ લાગ્યો નહોતો, પરંતુ કારખાનામાંથી એમડી અને તે બનાવવા વપરાતો કાચો માલ તેમ જ સાધનસામગ્રી જપ્ત કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.