કબૂતરને ચણ નાખવાને મુદ્દે વિવાદ થતાં લોખંડના સળિયાથી હુમલો: ચાર સામે ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કબૂતરને ચણ નાખવાને મુદ્દે વિવાદ થતાં વૃદ્ધ પિતા સાથે ઉદ્ધત વર્તન કરી પુત્ર પર લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના મીરા રોડની પૉશ સોસાયટીમાં બની હતી. આ પ્રકરણે પોલીસે મહિલા સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કાશીમીરા પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. મીરા રોડ પૂર્વમાં ડી. બી. ઓઝોન સોસાયટીની બિલ્ડિંગ નંબર-30માં રહેતા પ્રેમલ પટેલે (46) નોંધાવેલી ફરિયાદ બાદ આશા વ્યાસ (56), સોમેશ અગ્નિહોત્રી અને અન્ય બે જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સ્કૂલથી પરત ફરતી છોકરી પર રખડતા શ્વાનનો હુમલો: સ્થાનિકોમાં રોષ
પોલીસ ફરિયાદ અનુસાર ખાનગી બૅન્કની મલાડ શાખાના સિનિયર મૅનેજર પ્રેમલ પટેલના પિતા મહેન્દ્ર પટેલ (69) દૂધ લેવા માટે જઈ રહ્યા હતા. તે સમયે બિલ્ડિંગ નંબર-29માં રહેતી આશા વ્યાસ સોસાયટી કમ્પાઉન્ડમાં કબૂતરોને ચણ નાખી રહી હતી. આ રીતે ચણ ન નાખવાની સલાહ મહેન્દ્રભાઈએ વ્યાસને આપી હતી, જેને પગલે વ્યાસ રોષે ભરાઈ હતી.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે વ્યાસે ગાળાગાળી કરી ઉદ્ધત વર્તન કર્યું હતું. ઝઘડાનો અવાજ સાંભળી પ્રેમલ પણ બિલ્ડિંગ નીચે આવ્યો હતો. મધ્યસ્થી કરનારા પ્રેમલને પણ વ્યાસે ગાળો ભાંડી હતી. તે સમયે વ્યાસની બિલ્ડિંગમાં રહેતો અગ્નિહોત્રી અન્ય બે જણ સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. અગ્નિહોત્રીએ પ્રેમલ પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો, જેમાં પ્રેમલને ઇજા થઈ હતી. તેની સાથે આવેલા શખસે પ્રેમલનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાયંદરની હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ પ્રેમલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.