આમચી મુંબઈમહારાષ્ટ્ર

નવા વર્ષમાં મીરા-ભાયંદર રેબિઝ મુક્ત થશે

મીરા-ભાયંદર પાલિકાનો દાવો: 30 હજાર ત્યજી દેવાયેલા કૂતરાઓને રસી અપાશે

મીરા-ભાયંદર: પાલિકા પ્રશાસને નવા વર્ષ 2024માં મીરા-ભાયંદર શહેરને રેબીજ મુક્ત બનાવવાનો દાવો કર્યો છે. આ માટે 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2024 દરમિયાન 5 દિવસનું વિશેષ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં રસ્તાઓ પર રખડતા લગભગ 30 હજાર તરછોડાયેલા શ્ર્વાનને રેબીજ વિરોધી રસી આપવામાં આવશે.

ડિવિઝન સ્તરની 7 વિશેષ ટીમો બનાવવામાં આવશે. જેમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ઉપરાંત 20 કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. આ કાર્યમાં વિશ્ર્વ પશુ ચિકિત્સા સેવા સંસ્થાની પણ મદદ લેવામાં આવશે, તેવી માહિતી મહાનગરપાલિકાના એનિમલ પ્રમોશન ઓફિસરે આપી છે. મીરા-ભાયંદરની સડકો પર ત્યજી દેવાયેલા કૂતરાઓની વસ્તીમાં ઝડપથી વધારો થવાને કારણે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી નસબંધી પ્રક્રિયા પર પણ આંગળીઓ ઉઠી છે.

20 વર્ષમાં 47 હજારથી વધુ કૂતરાઓની નસબંધી

દરરોજ 28 જેટલા લોકો કૂતરાના શિકારનો ભોગ બની રહ્યા છે. પાલિકા પ્રશાસને શહેરમાં ત્યજી દેવાયેલા કૂતરાઓની નસબંધી માટે ઉત્તન, ભાયંદર પશ્ર્ચિમમાં એક રસીકરણ અને નસબંધી કેન્દ્રની સ્થાપના કરી છે. આ કેન્દ્રમાં દરરોજ લગભગ 20 કૂતરાઓની નસબંધી કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષમાં 47 હજારથી વધુ કૂતરાને નસબંધી પ્રક્રિયા કરવામાં આવી છે, જેના પર અંદાજે 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. શહેરની રસ્તાઓ પર કુલ કેટલા ત્યજી દેવાયેલા કૂતરા છે? તેનો ચોક્કસ આંકડો મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ નથી, જ્યારે 30થી 35 હજાર જેટલા કૂતરાઓ નસબંધી વિના રખડતા હોય છે, જેના કારણે શહેરમાં ત્યજી દેવાયેલા કૂતરાઓની સંખ્યા વધવાની ચિંતા પશુપાલન વિભાગે વ્યક્ત કરી છે. કૂતરાઓની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખીને પાલિકાના કમિશનરે ઉત્તનમાં વધુ એક નવું નસબંધી કેન્દ્ર ખોલવાનો નિર્ણય લીધો છે. તેમણે વિભાગના વડાને આ અંગે જગ્યા શોધવાના આદેશ પણ આપ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button