જનકલ્યાણ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા શિંદે સરકાર રુ. 270 કરોડ ખર્ચશે

મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા લોકો માટે શરૂ કરવામાં આવેલી જનકલ્યાણની યોજના (Welfare Schemes)ઓ તેમના સુધી પહોંચે એ માટે 270 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જાહેરાતો દ્વારા સરકાર જનકલ્યાણ યોજના, સરકારના વિવિધ પ્રકલ્પો, મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ વગેરેની માહિતી લોકો સુધી પહોંચાડશે. વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેરાતો દ્વારા લોકો સુધી યોજનાઓ પહોંચાડવાની સરકારની તૈયારી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં બહેન અને દીકરી બાદ હવે સિનિયર સિટિઝન્સ માટે યોજના
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે અત્યંત ચર્ચાસ્પદ ‘મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના’ અને ‘મુખ્ય પ્રધાન તીર્થદર્શન યોજના’ જેવી યોજનાઓની જાહેરાત કરી તેને લાગુ કરી છે. લોકો સુધી આ યોજનાની માહિતી પૂરી પાડવાનું કામ સરકારનો જનસંપર્ક વિભાગ(પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટ) કરશે.
રેડિયો, સમાચારપત્રોમાં જાહેરાતો, આઉટડોર અને સોશિયલ મીડિયા તેમ જ ટી.વી.ચેનલના માધ્યમથી લોકો સુધી યોજનાઓ પહોંચાડવામાં આવશે. અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા પણ પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટ સામાન્ય નાગરિકો સુધી સરકારની યોજના પહોંચાડી તેમને જરૂરી માહિતી પૂરી પાડશે.
આ પણ વાંચો: શિંદેની લાડકી બહેન યોજના સામે કોંગ્રેસ લઈ આવશે આ યોજના…
જાહેરાતો પાછળ કુલ 270.05 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની સરકારની યોજના છે. ઉલ્લેખનીય છે કે લાડકી બહેન યોજનાની જાહેરાત બાદ અનેક લોકો તેને બિરદાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ વિપક્ષ આ યોજનાની સતત ટીકા કરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોને યોજના વિશે ચોક્કસ અને સાચી માહિતી મળે એ જરૂરી હોઇ કોઇ દુષ્પ્રચાર ન થાય તેની સાવચેતી રાખવા જાહેરાતોનું માધ્યમ પસંદ કરવામાં આવ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે.