…એટલે મુંબઈ-પુણે એક્સપ્રેસ-વેને 8 લેનનો બનાવાશે, આટલા કરોડ ખર્ચાશે

મુંબઈઃ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકને દૂર કરીને હાઈ-વેની ક્ષમતા વધારવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)એ હાઈ-વે પર આઠ-લેન બનાવવાનો નિર્ણય લીધો છે. આ અંગેની દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવી છે.
પ્રસ્તાવ મુજબ આઠ લેયરિંગની કિંમતમાં ૨૮૦ કરોડનો વધારો થયો છે. પ્રોજેક્ટનો ખર્ચ ૫૮૦૦ કરોડથી વધીને ૬૦૮૦ કરોડ કર્યો છે. આ ભંડોળ એકત્ર કરવો એમએસઆરડીસી માટે પડકારરૂપ છે અને રાજ્ય સરકાર દ્વારા બજેટની જોગવાઈઓ હેઠળ આ ભંડોળ પ્રદાન કરવામાં આવે એવી દરખાસ્તમાં માંગ કરવામાં આવી છે.
૯૪.૫ કિમીનો મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે રાજ્યનો સૌથી મહત્વપૂર્ણ અને વ્યસ્ત હાઇવે તરીકે ગણવામાં આવે છે. તેના પર દરરોજ અંદાજે એક લાખ ૫૫,000 વાહનો ચાલે છે. વાહનોની સંખ્યામાં ભારે વધારાને કારણે હાઇ-વે પર ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની છે. અકસ્માતનો ભય વધી ગયો છે.
આ તમામ પરિબળોને ધ્યાનમાં લઈને એમએસઆરડીસીએ આખરે હાઈ-વેને આઠ લેન કરવાનો નિર્ણય લીધો છે, જેનો રૂ. ૬૦૮૦ કરોડનો ખર્ચ અપેક્ષિત છે અને જો આ ફંડ રાજ્ય સરકાર પાસેથી ઉપલબ્ધ ન હોય તો એમએસઆરડીસીએ બીજો વિકલ્પ શોધી કાઢ્યો છે.
એમએસઆરડીસીના સૂત્રો અનુસાર જો રાજ્ય સરકાર ભંડોળ પૂરું પાડશે નહીં, તો એમએસઆરડીસી લોનના સ્વરૂપમાં ભંડોળ એકત્ર કરશે અને રોડ ટેક્સના રૂપમાં પ્રોજેક્ટની કિંમત વસૂલ કરશે.