લાડલી બહેન યોજનામાં પણ કરપ્શન! દસ્તાવેજો જમા કરાવવા આવેલી મહિલાઓ પાસેથી પડાવ્યા પૈસા
મુંબઇઃ મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને દરેક મહિને 1500 રૂપિયા આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજનાનો ફાયદો લેવા માટે મહિલાઓએ સરકારી કાર્યાલયમાં જઇને કેટલાક જરૂરી દસ્તાવેજો જમા કરાવી રહી છે. દરમિયાનમાં અમરાવતી જિલ્લામાંથી આ યોજનામાં કરપ્શન થઇ રહ્યું હોવાના સમાચાર જાણવા મળ્યા હતા. દસ્તાવેજ જમા કરાવવા આવેલી જરેક મહિલા પાસેથી 50-50 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ સમાચાર આવ્યા બાદ લોકોમાં ભારે ઉહાપોહ મચ્યો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે લાડકી બહેન યોજના માટે વય મર્યાદા વધારીને 65 વર્ષ કરી
કરપ્શનના આ સમાચાર અમરાવતી જિલ્લાના વરૂણ તાલુકાના સાવંગી ગામના છે. આ ગામનો પટવારી મહિલાઓ પાસેથી 50 રૂપિયા પડાવતો હોવાનું જાણવા મળ્યું છે. લાડલી બહેન યોજનાનો લાભ લેવા માટે દસ્તાવેજો જમા કરાવવા આવતી ગરીબ મહિલાઓ પાસેથી ધરાર 50-50 રૂપિયા વસુલવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ રીતે મહિલાઓ પાસેથી પૈસા વસુલવાના સમાચાર આવ્યા બાદ અમરાવતીના કલેક્ટરે પટવારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા અને તેની સામે એફઆઇઆર પણ નોંધાવવામાં આવી હતી. પોલીસને આ મામલાની તપાસ કરવા અને તાત્કાલિક રિપોર્ટ સબમિટ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. તપાસના અહેવાલ બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે પટવારીને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો: ‘લાડકી બહેન’ યોજનાના લાભાર્થીઓનો કેન્દ્રો પર ધસારો, દલાલો દ્વારા ખુલ્લી લૂંટ
નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાડલી બહેન યોજનાની જાહેરાત કર્યા બાદ રાજ્યભરની મહિલાઓને ટોળેટોળા આ યોજનાનો લાભ ઉઠાવવા માટે જરૂરી દસ્તાવેજો સરકારી કાર્યાલયમાં જમા કરાવવા માટે ઉમટી રહ્યા છે. આ યોજનાના લાભાર્થીઓ માટે અરજી કરવાની ક્રિયા પહેલી જુલાઇથી શરૂ કરવામાં આવી છે.