આમચી મુંબઈ

માટુંગાનો ઝેડ બ્રિજ ત્રણ મહિના માટે બંધ, પ્રવાસીઓને મુશ્કેલી

મુંબઇ: માટુંગાનો પ્રખ્યાત ઝેડ આકારના પેડેસ્ટ્રિયન બ્રિજ સમારકામ માટે ત્રણ મહિના માટે બંધ કરવામાં આવ્યો છે, તેથી પ્રવાસીઓને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ રેલવેના માટુંગા સ્ટેશનથી મધ્ય રેલવેના માટુંગા રેલ્વે સ્ટેશન પહોંચવા માટે મુસાફરોએ દાદર સ્ટેશનેથી ફરીને આવવુ પડશે.

દાદર દિશાના એકમાત્ર બ્રિજને પગથિયાંના સમારકામ માટે ડિસેમ્બરમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે, હવે ઝેડ બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજનું સમારકામ પ્રધાનમંત્રી ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે. પ્રવાસીઓને સ્ટેશનમાં પ્રવેશવા માટે કબૂતર ઘર પાસેનો ફૂટઓવર બ્રિજ એકમાત્ર વિકલ્પ છે. માટુંગા સ્ટેશને આવવા-જવા માટે પ્રવાસીઓને આખુ પ્લેટફોર્મ ચાલવાની નોબત આવશે.

માટુંગા પૂર્વ અને પશ્ચિમ દિશાને જોડતો ઝેડ બ્રિજ બંધ થવાને કારણે પૂર્વથી પશ્ચિમ તરફ જવા માટે અઢી કિલોમીટરનો સૌથી મોટો ચક્કર લેવો પડે છે. રેલવેએ જાહેરાત કરી છે કે બ્રિજ ૩ મહિનાથી વધુ સમય સુધી બંધ રહેશે. ઝેડ બ્રિજ બંધ હોવાથી પ્રવાસીઓને માટુંગા રોડથી દાદર આવવું પડે છે. આથી યોગ્ય આયોજન કર્યા બાદ જ સમારકામની કામગીરી હાથ ધરવી જોઈએ. મધ્ય રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ, એમ પ્રવાસીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button