માતૃત્વ કુદરતી, નોકરીએ રાખનારે વિચારશીલ અને સહાનુભૂતિપૂર્ણ રહેવું જોઈએ: હાઈ કોર્ટ
મુંબઈ: માતા બનવું (માતૃત્વ) કુદરતી બાબત છે અને મહિલા કર્મચારીઓ પ્રત્યે નોકરીએ રાખનારે વિચારશીલ અને સહાનુભૂતિપૂર્ણ રહેવું જોઈએ, એમ મુંભઈ હાઈ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એક કર્મચારીને પહેલેથી બે સંતાનોની માતા હોવાનું કારણ આગળ ધરીને મેટર્નિટી લીવ નકારી કાઢવાના નિર્ણયને રદબાતલ કર્યો હતો.
જસ્ટિસ એ. એસ. ચાંદુરકર અને જસ્ટિસ જિતેન્દ્ર જૈને કહ્યું હતું કે સમાજનો અડધો હિસ્સો એવી મહિલાઓ જે સ્થળે કામ કરે છે તે સ્થળે તેમની સાથે માન-સન્માનપુર્ણ વર્તન થવું જોઈએ.
તેમની ફરજનો પ્રકાર ગમે તે હોય, કાર્યસ્થળે મહિલાઓને બધી જ સુવિધા મળવી જોઈએ. ખંડપીઠે એએઆઈ, વેસ્ટર્ન રિજન હેડક્વાર્ટર્સ દ્વારા 2014માં મહિલા કર્મચારીને માતૃત્વ માટેની રજા નકારી કાઢતાં એવું કહ્યું હતું કે તેઓ પહેલેથી જ બે બાળકોની માતા છે.
માતા બનવું તે મહિલાઓના જીવનમાં બનતી કુદરતી પ્રક્રિયા છે. કામ કરનારી મહિલા બાળકને જન્મ આપી શકે તે માટેની સગવડ આપવા માટે નોકરીદાતાએ વિચારશીલ અને સહાનુભૂતિપૂર્ણ હોવું જોઈએ અને તેમણે સમજવું જોઈએ કે ગર્ભમાં બાળક રાખીને અથવા તો માતૃત્વ ધારણ કર્યા બાદ ફરજ દરમિયાન મહિલાઓ કેવી શારીરિક સમસ્યાનો સામનો કરી શકે છે, એમ કોર્ટે કહ્યું હતું.