આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Baba Siddique Murder: હત્યાનો આદેશ બિશ્નોઈનો પણ…

માસ્ટરમાઇન્ડ સૌરવ મહાકાલ, કાવતરાને અંજામ આપ્યો પ્રવીણ-શુભમ લોણકરે

મુંબઈ: હત્યાના બે દિવસ બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પ્રવીણ લોણકરની પુણેથી ધરપકડ કરી અને તેને મંગળવારે મુંબઈની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે સરકારી વકીલે કરેલી રજૂઆત પછી બાબા સિદ્દીકીની હત્યાના કાવતરાની અથથી ઇતિ જાણકારી જાણવા મળી હતી.

આ પણ વાંચો: બાબા સિદ્દીકીની હત્યાનો દાવો કરનાર શુભમ લોંકરની તપાસ શરૂ…

બાબા સિદ્દીકીની હત્યાનો ઑર્ડર ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા આપવામાં આવ્યો હતો, જ્યારે માસ્ટરમાઇન્ડ સૌરવ મહાકાલ હતો, જે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સંડોવાયેલો હતો અને તેની ધરપકડ પણ કરાઇ હતી.

આ પણ વાંચો: બાબા સિદ્દીકી મર્ડર કેસ: ધરપકડ કરાયેલા આરોપીઓ પર હુમલાની આશંકા, મુંબઈ પોલીસે સુરક્ષા વધારી

દરમિયાન બિશ્ર્નોઇ ગેન્ગ સાથે સંકળાયેલા પુણેના શુભમ લોણકરે બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેના ભાઇ પ્રવીણ સાથે અમલ કરાવ્યો હતો. બાબા સિદ્દીકીની હત્યા માટે શૂટરોને સુપારી આપવામાં આવી હતી. સિદ્દીકીની હત્યામાં સંડોવાયેલા આરોપીઓમાંથી ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંહની ધરપકડ કરાઇ હતી, જ્યારે શિવકુમાર ગૌતમ અને જીશાન અખ્તર ફરાર છે. આરોપીઓને પકડવા માટે પોલીસની પંદર ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ ટીમને હરિયાણા, પુણે, દિલ્હી અને ઉજ્જૈન રવાના કરાઇ છે.

આરોપીનો સગીર હોવાનો દાવો ખોટો

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા બેમાંથી એક આરોપીએ પોતે સગીર હોવાનો કોર્ટમાં કરેલો દાવો ખોટો ઠર્યો હતો. આરોપી ધર્મરાજ કશ્યપની ઉંમર નક્કી કરવા માટે કોર્ટે બોન ઓસિફિકેશન ટેસ્ટ કરાવવાના પોલીસને નિર્દેશ આપ્યા હતા અને ટેસ્ટમાં તે પુખ્ત હોવાનું પુરવાર થયું હતું.

આરોપી ધર્મરાજ કશ્યપને બાદમાં ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને તેને 21 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

કશ્યપને રવિવારે કોર્ટમાં હાજર કરાયો ત્યારે તેણે પોતાની ઉંમર 17 વર્ષ જણાવી હતી. એ સમયે પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી પાસેથી જપ્ત કરાયેલા આધાર કાર્ડ પ્રમાણે તેની ઉંમર 21 વર્ષની છે. જોકે કશ્યપની ઉંમરની ખરાઇ કરી શકે એવા અન્ય કોઇ દસ્તાવેજો જપ્ત કરાયા નથી, એવું પણ પોલીસે કહ્યું હતું.

કોર્ટે બાદમાં આરોપીનું આધાર કાર્ડ રજૂ કરવાનું પોલીસને કહ્યું હતું. પોલીસે કશ્યપના આધાર કાર્ડની નકલ રજૂ કરી હતી, જેમાં ફોટો કશ્યપનો હતો, જ્યારે નામ રંજનકુમાર ગુપ્તા હતું અને તેમાં જન્મતારીખ 1 માર્ચ, 2003 દર્શાવાઇ હતી.

બાબા સિદ્દીકી પર ફાયરિંગ થયું ત્યારે એક જ કોન્સ્ટેબલ તેમની સાથે હતો

બાંદ્રા વિસ્તારમાં શનિવારે રાતે બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારે તેમની સાથે માત્ર એક કોન્સ્ટેબલ હાજર હતો. દશેરા નિમિત્તે ફટાકડા ફૂટી રહ્યા હતા ત્યારે બાબા સિદ્દીકી પર ગોળીબાર કરાયો હતો.

નિર્મલનગરમાં પુત્ર જીશાનની ઓફિસ બહાર સિદ્દીકી પર છ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા, જેમાંથી બે બુલેટ તેમની છાતીમાં વાગી હતી. સિદ્દીકીને બિન-વર્ગીકૃત સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. ગોળીબારમાં ઘવાયેલા સિદ્દીકીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને તપાસી મૃત જાહેર કરાયા હતા.

બિન-વર્ગીકૃત સુરક્ષા હેઠળ સિદ્દીકીને ત્રણ કોન્સ્ટેબલ પૂરા પાડવામાં આવ્યા હતા. સુરક્ષા માટે હાજર બે કોન્સ્ટેબલને સાંજે છોડી દેવાયા હતા અને સિદ્દીકી જ્યારે રાતે ઘરે જવા નીકળ્યા ત્યારે તેમની સાથે એક જ કોન્સ્ટેબલ હતો. આરોપીઓએ જ્યારે ગોળીબાર કર્યો ત્યારે કેટલાક લોકોને લાગ્યું કે દશેરા અને દેવીની મૂર્તિના વિસર્જનના સરઘસના ભાગરૂપે ફટાકડા ફોડવાનો અવાજ હશે, એમ પોલીસે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button