આમચી મુંબઈ

યુએઈથી દાણચોરીથી લવાયેલી 189 ટન,સોપારી જપ્ત: ઘાટકોપરના વેપારીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતમાં યુએઈથી દાણચોરીથી લાવવામાં આવેલી કરોડો રૂપિયાની 189.6 મેટ્રિક ટન સોપારી જપ્તિના કેસમાં ઘાટકોપરના કચ્છી વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. સોપારી પરની 11.63 કરોડ રૂપિયાની ડ્યૂટી ભરવાનું ટાળવા માટે આરોપીઓ દ્વારા ક્ધસાઈન્મેન્ટમાં 9.65 કરોડ રૂપિયાનો ડામર હોવાનું જાહેર કરાયું હતું.

ન્હાવા શેવાના જવાહરલાલ નેહરુ કસ્ટમ હાઉસ (જેએનસીએચ) સ્થિત સ્પેશિયલ ઈન્ટેલિજન્સ ઍન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (એસઆઈઆઈબી)ના અધિકારીઓએ કાર્યવાહી કરી ઘાટકોપરના મૂકેશ માધવજી ભાનુશાળીની ધરપકડ કરી હતી.
એસઆઈઆઈબીએ મળેલી માહિતીને આધારે સઘન તપાસ કરતાં દાણચોરીનો મામલો સામે આવ્યો હતો. અનધિકૃત રીતે આયાત કરવામાં આવેલી 189.6 મેટ્રિક ટન સોપારી જપ્ત કરવામાં આવી હતી. આ સોપારી પર 11.63 કરોડ રૂપિયાની ડ્યૂટી ટાળવા માટે આરોપીઓએ ક્ધસાઈન્મેન્ટમાં ડામર હોવાનું જાહેર કર્યું હતું, એવું અધિકારીએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં અગાઉ આયાત કરનારી કંપનીના એક ડિરેક્ટર વિરુદ્ધ એસઆઈઆઈબીએ કાર્યવાહી કરી હતી. જોકે તપાસ દરમિયાન યુએઈથી દાણચોરીથી ભારતમાં લાવવામાં આવેલી આ સોપારી સાથે ઘાટકોપરના વેપારી ભાનુશાળીનું કનેક્શન સામે આવતાં તેને ગુજરાતના વાપી ખાતેથી તાબામાં લેવાયો હતો.

આ પણ વાંચો : નબળા પાયાને કારણે ઘાટકોપરનું હૉર્ડિંગ તૂટી પડ્યું હતું: મુંબઈ ઈન્સ્ટિટ્યુટનો અહેવાલ

આ પ્રકરણમાં ગુજરાતના મુંદ્રા સહિત વિવિધ બંદરો ખાતે સાગમટે તપાસ ચાલુ છે. અન્ય એક ડિરેક્ટર ફરાર હોવાથી તેની શોધ ચલાવાઈ રહી છે.

સોપારીના ભારતીય ઉત્પાદકોના રક્ષણ માટે સોપારી પર 110 ટકા ડ્યૂટી અને ઈન્ટીગ્રેટેડ ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (આઈજીએસટી) લગાડવામાં આવે છે. તેમાંથી બચવા માટે આયાતકારો વિવિધ માર્ગો અપનાવતા હોવાનું અધિકારીનું કહેવું છે.

ભારત વિશ્ર્વમાં સોપારીનો સૌથી મોટો ઉત્પાદક છે. આમ છતાં સોપારીની મોટે પાટે દાણચોરી થાય છે. તેનું મુખ્ય કારણ દેશમાં ગેરકાયદે ગુટકા ઉત્પાદકોની માગણીને પહોંચી વળવાનું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button