હિન્દી-મરાઠી વિવાદ: માશેલકર સમિતિનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મરાઠી ભાષા ખાતાના પ્રધાન ઉદય સામંતે સોમવારે જણાવ્યું હતું કે સરકાર રાજ્યની શાળાઓમાં પહેલા ધોરણથી ફરજિયાત ત્રીજી ભાષા તરીકે હિન્દીને ભલામણ કરનારા માશેલકર સમિતિના અહેવાલને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
મરાઠી ભાષા વિભાગની પૂરક માગણીઓ પરની ચર્ચા વખતે વિધાનસભામાં સામંતે જણાવ્યું હતું કે માશેલકર સમિતિનો અહેવાલ બાવીસમી ફેબ્રુઆરી, 2022ના રોજ તત્કાલીન સરકારને સુપરત કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: રાજ-ઉદ્ધવે મરાઠી ભાષાના ગૂણગાન ગાયા અને મારામારી વિશે કરી આવી વાત
‘તે એનઈપી (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ) 2020 મુજબ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કેટલું હોવું જોઈએ તે અંગેનો અહેવાલ હતો. (તેમાં) ધોરણ પહેલાથી બારમા સુધી હિન્દીને ફરજિયાત ભાષા બનાવવાની ભલામણ કરવામાં આવી હતી,’ એવી માહિતી તેમણે ગૃહને આપી હતી.
રાજ્યના માહિતી વિભાગે સોશિયલ મીડિયા પર પણ (તત્કાલીન) મુખ્ય પ્રધાનને ટાંકીને એવી પોસ્ટ કરી હતી કે અહેવાલ સબમિટ કરવામાં આવ્યો છે અને સ્વીકારવામાં આવ્યો છે, એ બાબત પ્રત્યે તેમણે ધ્યાન દોર્યું હતું.
આપણ વાંચો: મુંબઈમાં મરાઠી ભાષાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો, ઉદ્યોગપતિ સુશીલ કેડિયાની ઓફિસમાં તોડફોડ
‘તે સમયે મુખ્ય પ્રધાન કોણ હતા?’ એમ તેમણે ઉદ્ધવ ઠાકરેનો ઉલ્લેખ કર્યા વિના પૂછ્યું હતું, જેમણે નવેમ્બર 2019થી જૂન 2022 સુધી રાજ્યનું નેતૃત્વ કર્યું હતું.
સામંતે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહાયુતિ સરકારે પહેલા ધોરણથી હિન્દીને ફરજિયાત ભાષા બનાવી નથી.
‘સરકાર માશેલકર સમિતિને ગૃહમાં રજૂ કરશે,’ એમ સામંતે કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે સતત એવો દાવો કરી રહ્યા છે કે તેમણે માશેલકર સમિતિનો અહેવાલ સ્વીકાર્યો નહોતો.