સૈનિકને મળતા લાભ મેળવવા શહીદ અગ્નિવીરની માતાની હાઈ કોર્ટમાં અરજી

મુંબઈ: જમ્મુ – કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદ પરના ગોળીબારમાં શહીદ થયેલા અગ્નિવીર મુરલી નાઈકની માતાએ લશ્કરના સૈનિકને મળતા લાભથી અગ્નિવીરને વંચિત રાખવાના નિર્ણયને પડકારતી અરજી બોમ્બે હાઈ કોર્ટમાં કરી છે.
અગ્નિપથ યોજના મૃત્યુ બાદ મળતા લાભો અંગે અગ્નિવીર અને નિયમિત સૈનિકો વચ્ચે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો દાવો શહીદની માતા જ્યોતિબાઈ નાઈકની અરજીમાં કરવામાં આવ્યો છે.
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારે પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને તીવ્રતાથી હુમલો કર્યો ત્યારે નવમી મેના દિવસે મુરલી નાઈક પૂંછમાં શહીદ થયા હતા.
આ પણ વાંચો: આ રાજ્યમાં સરકારી નોકરીમાં નિવૃત્ત અગ્નિવીરોને મળશે 10 ટકા અનામત, જાણો…
એડવોકેટ સંદેશ મોરે, હેમંત ઘાડીગાંવકર અને હિતેન્દ્ર ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે અગ્નિવીર સમાન ફરજ નિભાવે છે અને નિયમિત સૈનિકોની જેમ જ જોખમોનો સામનો કરતા હોવા છતાં અગ્નિવીરના પરિવારોને લાંબા ગાળાના પેન્શન અને અન્ય લાભોથી વંચિત રાખવામાં આવે છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજનામાં અગ્નિવીરોને સેવા પછીના પેન્શન લાભો અને સામાન્ય રીતે નિયમિત સૈનિકો માટે ઉપલબ્ધ અન્ય લાંબા ગાળાના કલ્યાણ અધિકારોમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. શહીદ અગ્નિવીરના પરિવારને લગભગ એક કરોડ રૂપિયાની આર્થિક સહાય મળે છે, પરંતુ તેમને કોઈ નિયમિત ફેમિલી પેન્શન અથવા અન્ય કોઈ લાભ આપવામાં આવતો નથી.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, અનુસૂચિત જાતિના યુવાનોને અગ્નિવીર માટે તાલીમ આપશે
નાઈકના મૃત્યુ પછી અરજદારે ઘણા અધિકારીઓને પત્રો મોકલી વિનંતી કરવામાં આવી હતી કે તેમના પરિવારને નિયમિત સૈનિકોના પરિવારોને આપવામાં આવતા સમાન લાભ આપવામાં આવે. જોકે, તેમને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી, એમ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે. અરજી યોગ્ય સમયે હાઈ કોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ આવે તેવી સંભાવના છે.
(પીટીઆઈ)



