મુંબઈ એરપોર્ટ પર 40 કરોડ રૂપિયાનો ગાંજો પકડાયો: બે પ્રવાસી સહિત ત્રણની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર 40 કરોડ રૂપિયાનો ગાંજો પકડાયો: બે પ્રવાસી સહિત ત્રણની ધરપકડ

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ)મુંબઈ એરપોર્ટ પર 40 કરોડ રૂપિયાની કિંમતનો ગાંજો પકડી પાડી બે પ્રવાસી સહિત ત્રણની ધરપકડ કરી હતી. થાઇલેન્ડથી બંને પ્રવાસી ગાંજો સામાનમાં છુપાવી લાવ્યા હતા અને ત્રીજો આરોપી મુંબઈમાં તે રિસિવ કરવા આવવાનો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ડીઆરઆઇના અધિકારીઓએ ધરપકડ કરેલા ત્રણેય જણની ઓળખ અમીર પાંડોડન, શોએબ ખાન અને મોહંમદ શફીર મદારી તરીકે થઇ હતી. અમીર કેરળનો અને શોએબ દિલ્હીનો રહેવાસી છે. ત્રણેયને રવિવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને જુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

આપણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર પાંચ કરોડ રૂપિયાનો ગાંજો પકડાયો: સુરતના યુવક સહિત બેની ધરપકડ…

પ્રાપ્ત માહિતી મુજબ અમીર અને શોએબ ખાન થાઇલેન્ડથી એક જ ફ્લાઇટમાં શનિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યા હતા. ડીઆરઆઇના અધિકારીઓએ શંકાને આધારે બંને પ્રવાસીને તાબામાં લીધા હતા.

બંને જણના સામાનની તલાશી લેવામાં આવતાં પેકેટ્સ મળી આવ્યાં હતાં, જેમાં કુલ 40 કિલો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો છુપાવવામાં આવ્યો હતો અને તેની કિંમત 40 કરોડ રૂપિયા થાય છે.

આપણ વાંચો: અમદાવાદના રહેવાસી પાસેથી 9.66 કરોડનો ગાંજો જપ્ત…

દરમિયાન પ્રવાસીની પૂછપરછમાં મોહંમદ શફીર મદારીનું નામ સામે આવ્યું હતું, જે ગાંજો લેવા માટે આવવાનો હતો. ડીઆરઆઇના અધિકારીઓ બાદમાં મદારીની પણ ધરપકડ કરી હતી.

ત્રણેય જણ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર તપાસ પ્રારંભિક તબક્કામાં છે અને આરોપીઓના મુખ્ય આકાઓને ઓળખવા તથા તેમને ઝડપી પાડવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button