મુંબઈ એરપોર્ટ પર 18 કરોડ રૂપિયાનો ગાંજો, 25.64 લાખનું સોનું જપ્ત…

મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે 18 કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો તેમ જ 25.64 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. બેંગકોકથી ફ્લાઇટમાં બુધવારે મુંબઈ એરપોર્ટ પર આવેલા પ્રવાસીને કસ્ટમ્સના અધિકારીઓએ શંકાને આધારે આંતર્યો હતો.
પ્રવાસીના સામાનની તલાશી લેવામાં આવતાં તેની ટ્રોલી બેગમાંથી 5.92 કરોડ રૂપિયાનો ગાંજો મળી આવ્યો હતો. આથી પ્રવાસી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય કિસ્સામાં બેંગકોકથી આવેલા બે પ્રવાસીને પણ આંતરીને તેમના સામાનની તલાશી લેવાઇ હતી.
જેમાંથી ચોકલેટ અને ચિપ્સનાં પેકેટ્સ મળી આવ્યાં હતાં, જેમાં 12 કરોડ રૂપિયાથી વધુનો ગાંજો છુપાવવામાં આવ્યો હતો.
દરમિયાન દુબઇથી આવેલા પ્રવાસી પાસેથી 2.64 લાખ રૂપિયાની સોનાની આઠ બંગડી મળી આવી હતી. આથી પ્રવાસીને તાબામાં લેવામાં આવ્યો હતો. (પીટીઆઇ)



