MARDએ હડતાળ પાછી ખેંચી, સરકારે લીધો રાહતનો શ્વાસ
મુંબઈ: રાજ્યના તમામ નિવાસી ડૉક્ટરો (Maharashtra Association of Resident Doctors)ની શિષ્યવૃત્તિમાં રૂ. ૧૦,૦૦૦ વધારવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયા બાદ માર્ડએ તેની રાજ્યવ્યાપી હડતાળ પાછી ખેંચી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં, તમામ સરકારી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ કોલેજોના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સના વિદ્યાર્થીઓ માટે પહેલી માર્ચ, ૨૦૨૪થી ટ્યુશન ફીમાં મોંઘવારી ભથ્થા સાથે દર મહિને રૂ. ૧૦,૦૦૦નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ નિર્ણય દરેક નિવાસી ડૉક્ટરના માનસિક, નાણાકીય અને સામાજિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે, એમ કહેતા માર્ડના પ્રતિનિધિએ રવિવારે રાતે જાહેરાત કરી હતી કે તેઓ તેમની હડતાળ પાછી ખેંચી રહ્યા છે.
રહેવાસી ડોક્ટર્સની પેન્ડિંગ માગણીઓ હતી, જે પૂરી કરવાનું રાજ્ય સરકાર દ્વારા વચન આપવામાં આવ્યું છે, તેથી હડતાળ પાછી ખેંચવામાં આવી છે, એમ સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં એક પછી સંગઠનો પોતાની પેન્ડિંગ માગણીઓને લઈ હડતાળના હથિયારનો ઉપયોગ કરી રહ્યું છે ત્યારે તાજેતરમાં ડોક્ટરના સંગઠન દ્વારા હડતાળ પાડવામાં આવ્યા પછી આજે હડતાળ પાછી ખેંચતા રાજ્ય સરકારે રાહતનો શ્વાસ લીધો હતો.