મરાઠવાડામાં પાણીની ગંભીર કટોકટીઃ અગિયારમાંથી પાંચ ડેમ તળિયા ઝાટક
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્ર્ના મરાઠવાડા વિસ્તાર પાણીની ગંભીર કટોકટી અનુભવી રહ્યો છે. વિસ્તારના 11 અગ્રણી જળાશયમાંથી પાંચમાં તળિયું સાફ છે અને જરા પણ પાણી નથી. આ વિસ્તારના સૌથી વિશાળ જાયકવાડી બંધમાં હાલ કુલ ક્ષમતાના માત્ર ચાર ટકા પાણી બચ્યું છે એવી જાણકારી સંબંધિત અધિકારીઓએ શુક્રવારે આપી હતી.
રાજ્યના મરાઠવાડા વિસ્તારમાં છત્રપતિ સંભાજી નગર, જાલના, બીડ, પરભણી, હિંગોલી, ધારશીવ, લાતુર અને નાંદેડ જિલ્લાઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે થયેલા અપૂરતા વરસાદને કારણે આ વિસ્તારના 11 અગ્રણી પ્રકલ્પના ચાર જળાશયમાં પાણી છે જ નહીં.
મરાઠવાડના સૌથી વિશાળ જાયકવાડી બંધમાં માત્ર ત્રણ ટીએમસી (થાઉઝન્ડ મિલિયન ક્યુબિક ફૂટ) પાણી છે જે તેની કુલ ક્ષમતાના માંડ ચાર ટકા જેટલું જ છે એવી જાણકારી વિભાગીય આયુકતના કાર્યાલયના અહેવાલમાં રજૂ કરવામાં આવી છે.
માંજર બંધમાં પાણીની સપાટી તળિયે હોવા છતાં લાતુર શહેરમાં પાણીકાપ અમલમાં નહીં આવે એવી સ્પષ્ટતા પાલિકા દ્વારા કરવામાં આવી હતી. છત્રપતિ સંભાજીનગરમાં નવી સમાંતર પુરવઠા વ્યવસ્થા હાલ બેસાડવામાં આવી રહી છે અને આ વર્ષના અંત સુધીમાં એ કાર્યરત થઈ જશે એમ પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું