હવે મરાઠી ભાષાના વિવાદમાં ઉદ્ધવની સેનાએ ઝંપલાવ્યું તો રાજ ઠાકરેએ કહ્યું કે…

મુંબઈઃ મરાઠી ભાષા વિવાદ એક યા બીજા સ્વરૂપે રાજકારણીઓ ચગાવતા રહે છે. મહારાષ્ટ્રમાં રહેતા દરેકને મરાઠી આવડવી જોઈએ અને કામકાજમાં આ ભાષાનો જ ઉપયોગ થાય તેવા આગ્રહ સાથે તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)એ આંદોલન છેડયું હતુ અને એક વૉચમેન અને ત્યારબાદ બેંક મેનેજર સાથે ગેરવર્તણૂક કર્યાનો વીડિયો વાયરલ થયો હતો. આ વિષય પર ભારે ચર્ચાઓ થઈ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કડકાઈ સાથે આ પ્રકારની જબરજસ્તીને વખોડી હતી.
ફડણવીસે જણાવ્યું હતું કે મરાઠી ભાષાનો આગ્રહ યોગ્ય છે, પરંતુ તે માટે કાયદો હાથમાં લેવો યોગ્ય નથી. તેમના આ નિવેદન બાદ મનસેના વડા રાજ ઠાકરેએ આંદોલન મોકૂફ રાખવાનું પોતાના કાર્યકર્તાઓને કહ્યું છે. રાજ ઠાકરેએ કહ્યું કે આ મુદ્દાને યોગ્ય રીતે ઉછાળ્યો છે, પણ હવે આ આંદોલન મોકૂફ રાખવામાં આવે.
ઉદ્ધવસેનાએ બેનર લગાવી કહ્યું કે
એક તરફ રાજ ઠાકરેએ આ મુદ્દે આંદોલન ન કરવા કહ્યું છે તો બીજી બાજુ શિવસેના (યુબીટી)ના નેતાએ પોસ્ટર લગાવી આ વિવાદમાં કૂદકો માર્યો છે. ઠાકરેના ઉત્તર ભારતીય નેતા અને પ્રવક્તા આનંદ દુબેએ પોસ્ટ લગાવ્યા છે અને લખ્યું છે ક મરાઠી શિખવાડશું પણ પ્રેમથી મારથી નહીં.
આ પણ વાંચો: મનસેના વિવાદ વચ્ચે મુખ્ય પ્રધાનની ચેતવણી
તેમણે આ પોસ્ટરમાં લખ્યું છે કે લોકો મરાઠી બોલવા માગતા હોય તો પણ તેમને શિખવાડશે કોણ. આથી અમે તમને શિખવાડીશું. અગાઉ પણ મરાઠી ભાષાનો મુદ્દો ચૂંટણી સમયે ચગ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે. આથી હવે ફરી રાજકારણીઓ ધર્મ, ભાષા, જાતિના મુદ્દાઓ ઊભા કરી પોતાની રાજકીય રોટલી શેકવાનો પ્રયત્ન કરશે.