મરાઠી મુદ્દે મારપીટઃ હિંસાના વિરોધમાં મીરા-ભાયંદરમાં દુકાનો બંધ

મીરા-ભાયંદર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ મરાઠીનો ઉપયોગ નહીં કરવા બદલ મીરા-ભાયંદરમાં એક રેસ્ટોરાંના માલિક પર વારંવાર મારપીટ કર્યાના થોડા દિવસો બાદ દુકાનદારોએ પક્ષની હિંસાના વિરોધમાં વિસ્તારમાં તેમની દુકાનો બંધ કરીને વિરોધમાં એકઠા થયા છે.
મરાઠીમાં વાતચીત ન કરવા બદલ મનસેના કાર્યકરો દ્વારા એક રેસ્ટોરાંના માલિકની હેરાનગતિ કરવામાં આવ્યા બાદ આજે સવારે મીરા-ભાયંદર વિસ્તારની અસંખ્ય દુકાનો વિરોધમાં બંધ રહી હતી. બંધ દુકાનો અને સૂમસામ બજારોની તસવીરો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફરી રહી છે.
આ પણ વાંચો: મરાઠી નહીં બોલવા બદલ વેપારીઓને માર માર્યો: શિવસેના (UBT) નેતા પર આક્ષેપ
મુંબઈના મીરા રોડમાં એક રેસ્ટોરાં માલિક પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકર્તાઓએ મરાઠી ન બોલવાને કારણે મારપીટ કરી હતી. આ વિવાદ મનસેના કાર્યકર્તાએ રેસ્ટોરાંના માલિકને ભાષાના ઉપયોગ અંગે પૂછપરછ કરી ત્યારે શરૂ થયો હતો. મરાઠી ફરજિયાત છે એ પોતે નથી જાણતો એવો જવાબ માલિકે મજાકિયા ટોનમાં આપતા કાર્યકર્તાઓ ગુસ્સે ભરાયા હતા.
મહારાષ્ટ્રમાં તમામ ભાષાઓ બોલાય છે એવું માલિકે કહેતા પરિસ્થિતિ વણસી ગઈ હતી. આ રજૂઆત સાંભળી એક કાર્યકર્તાએ જાહેરમાં તેમને લાફા ચોડી દીધા હતા. આ ઘટનાથી સોશિયલ મીડિયા પર આક્રોશ ફાટી નીકળ્યો છે અને ભાષાની જાળવણી વિરુદ્ધ હિંસાની ચર્ચાઓ વધી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઇ સત્તાવાર ફરિયાદ દાખલ નથી થઈ.