મરાઠા અનામત: મનોજ જરાંગેની માગણીઓ મુદ્દે રાજ્ય સરકારનો મોટો દાવો પણ…
મુંબઈ: મરાઠા અનામત મુદ્દે સૌથી મોટી અપડેટ મળી રહી છે. અનામત મુદ્દે આંદોલન કરી રહેલા મનોજ જરાંગેની માંગણી મુદ્દે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મળતા અહેવાલો પ્રમાણે રાજ્ય સરકારે જરાંગે પાટીલની માંગણી સ્વીકારી છે. કુણબી પ્રમાણપત્રમાં નજીકના સંબંધીનું નામ ઉમેરવા અંગે આજે જ વટહુકમ બહાર પાડવામાં આવશે. જોકે, જરાંગેની મુખ્ય ડિમાન્ડ એ હતી કે જેમની પાસે કુણબી પ્રમાણપત્ર છે તેમના પાર્ટનરને પણ કુણબીનું પ્રમાણપત્ર આપવામાં આવે. આમ છતાં મનોજ જરાંગેએ કહ્યું છે કે જ્યાં સુધી તમામ માંગ પૂરી થશે નહિ ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
મનોજ જરાંગે પાટીલે મરાઠા આરક્ષણની દરેક માગણીને માન્ય કરવા માટે સરકારને 24 કલાકનો સમય આપ્યો છે. મરાઠા આરક્ષણની માગણીને લઈને મનોજ જરાંગેનું આંદોલન આજે મુંબઈ પહોંચવાનું હતું. જોકે હવે સરકારને જીઆર જાહેર કરવા માટે વધુ સમય આપતા જરાંગેએ કહ્યું હતું કે અમારું આ આંદોલન શનિવારે બપોરે 12 વાગ્યા સુધી વાશીમાં રહેશે અને જો આ 24 કલાકની અંદર મરાઠા આરક્ષણની માગણીઓ માન્ય નહીં કરવામાં આવે તો લાખોની સંખ્યામાં મરાઠાઓ મુંબઈના આઝાદ મેદાન તરફ કુચ કરશે. આજના આંદોલનમાં જરાંગેએ કહ્યું હતું કે સરકાર તેમની દરેક માગણીઓ માનીને એક ઓર્ડર પણ જાહેર કરે.
મનોજ જરાંગેએ આજે સવારે 11 વાગ્યાથી નવી મુંબઈના વાશીમાં આંદોલન કર્યું હતું. આ દરમિયાન જરાંગેએ મરાઠા આંદોલનના કાર્યકરોનું સંબોધન કરતાં કહ્યું હતું કે આપણે ચોક્કસ 24 કલાકમાં મુંબઈ જવા રવાના થશું. આપણે શિક્ષણમાં આરક્ષણની માગણી કરી રહ્યા છે. આ બાબત સરકારે માન્ય કરવી જ જોઈએ. આજે આપણે મુંબઈ ન જતાં વાશીમાં રાહ જોઈશું અને જો સરકાર સવાર સુધી નિર્ણય નહીં લેશે તો આપણે આવતીકાલે બપોરે 12 વાગ્યે મુંબઈ જવા નીકળીશુ. અમે મુંબઈગરાઓ માટે કોઈપણ સમસ્યા ઊભા કરવા નથી માગતા એમ જરાંગેએ જણાવ્યું હતું.
જરાંગેએ કહ્યું હતું કે જો સરકાર કાલે નિર્ણય લેશે તો અમે મુંબઈના આઝાદ મેદાન આવીને તેની ઉજવણી કરીશું, પણ જો સરકાર મરાઠાઓને આરક્ષણ આપવામાં અસમર્થ રહેશે તો પણ અમે મુંબઈ આવીને અમારું બેમુદત અનશન શરૂ કરશું. જ્યાં સુધી દરેક માગણી પૂર્ણ નહીં થશે અને કોઈપણ નિયમ અને શરત વગર આરક્ષણ નહીં મળે ત્યાં સુધી આપણે મુંબઈમાંથી જઈશું નહીં એવું પણ પાટીલે જણાવ્યું હતું.
અમે પ્રજાસત્તાક દિવસ અને મુંબઈના કાયદાને ધ્યાનમાં રાખીને આજે આઝાદ મેદાનમાં આંદોલનકારીઓ આવ્યા નહોતા, પણ હું શહેરમાંથી પાછો જઈશ નહીં. અમે સરકાર પાસેથી ન્યાયની અપેક્ષા લઈને આવ્યા છે કોઈને હેરાન કરવા નહીં. તમને જણાવી દઈએ કે મરાઠા આંદોલનની માગણીને લઈને 20 જાન્યુઆરીએ મુંબઈ આવવા માટે મનોજ જરાંગે પાટીલ સાથે હજારો કાર્યકરો રવાના થયા હતા. જરાંગેનું આ આંદોલન આજે 26 જાન્યુઆરીએ નવી મુંબઈના વાશીમાં પહોંચ્યું હતું, જ્યાં તેમણે અનશન શરૂ કર્યું હતું.