મરાઠા અનામત આંદોલન: મુંબઈમાં આંદોલનકારીઓનાં વાહનોના પ્રવેશ પર રોક

મુંબઈ: મરાઠા આંદોલનકારીઓને શહેરમાં પ્રવેશતા અટકાવવા માટે પોલીસ દ્વારા મુંબઈના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ બ્લોક કરી દેવામાં આવ્યા છે, જ્યાં કાર્યકર્તા મનોજ જરાંગેના સમર્થનમાં હજારો આંદોલનકારીઓ પહેલેથી જ એકઠા થઇ ગયા છે.
દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં 29 ઑગસ્ટના રોજ મરાઠા અનામત આંદોલનના પહેલા દિવસે 60,000થી વધુ આંદોલનકારીઓ અને 7,000 વાહનો શહેરમાં પ્રવેશ્યાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર આંદોલનકારીઓના 5,000 વાહનો મંગળવારે દક્ષિણ મુંબઈમાં પાર્ક કરાયેલાં હતાં.
આઝાદ મેદાનમાં ભેગા થવાને બદલે અનેક આંદોલનકારીઓએ શહેરના રસ્તાઓ પર અડ્ડો જમાવી દીધો હતો. આમ કરીને હાઇ કોર્ટના આદેશનું સરિયામ ઉલ્લંઘન કર્યું હતું.
પાંચમા દિવસે પણ અમુક સમર્થકો ટસના મસ થતા નહોતા અને વધુ સમર્થકો મુંબઈમાં આવવાની શક્યતાને જોતા પોલીસે તેમને રોકવા માટે મુંબઈના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ પર મોરચાબંધી કરી હતી, જેમાં વાશી, ઐરોલી, થાણે અને દહિસર એન્ટ્રી પોઇન્ટ્સ પરથી સમર્થકોને મુંબઈમાં દાખલ થવાથી રોકવામાં આવ્યા હતા. તેમને રોકવા માટે સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે બેરિકેડ્સ પણ ગોઠવવામાં આવ્યા હતા.
આપણ વાંચો: મરાઠા આંદોલનનો ચોથો દિવસ: જરાંગેએ પાણી છોડ્યું
તમામ ભારે વાહનોને આગામી આદેશ સુધી મુંબઈના એન્ટ્રી પોઇન્ટ્સ પર રોકવા માટે કહેવામાં આવ્યું હતું, જ્યારે કાર સહિત હલકાં વાહનો તથા ઇમરજન્સી વાહનોને તપાસ પછી જ મુંબઈમાં આવવા દેવાતાં હતાં.
મરાઠા અનામતની માગણી સાથે હજારો આંદોલનકારીઓ દક્ષિણ મુંબઈમાં એકઠા થયા હતા અને પોલીસે કાયદો-વ્યવસ્થાની સમસ્યા નિર્માણ ન થાય એ માટે પૂરતી સાવચેતી રાખી હતી.
મુંબઈ હાઇ કોર્ટે મંગળવારે જરાંગે અને તેમના સમર્થકોને આઝાદ મેદાન ખાલી કરવા આદેશ આપ્યો હતો. આ પૂર્વે પોલીસે જરાંગે અને તેમની ટીમને નોટિસ ફટકારીને આઝાદ મેદાન ખાલી કરવા માટે સૂચના આપી હતી. (પીટીઆઇ)