મરાઠા અનામત આંદોલન: દક્ષિણ મુંબઈનાં છ પોલીસ સ્ટેશનમાં નવ કેસ દાખલ કરાયા

મુંબઈ: મરાઠા અનામત આંદોલનકારીઓ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે એકઠા થવા અને પ્રતિબંધાત્મક આદેશનું ઉલ્લંઘન કરવા બદલ દક્ષિણ મુંબઈના છ પોલીસ સ્ટેશનમાં નવ કેસ દાખલ કરાયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ, મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં બે કેસ તથા ડોંગરી, માતા રમાબાઇ આંબેડકર માર્ગ, જે. જે માર્ગ અને કોલાબા પોલીસ સ્ટેશનમાં એક-એક કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
આપણ વાંચો: મરાઠા અનામત આંદોલન: મુંબઈમાં આંદોલનકારીઓનાં વાહનોના પ્રવેશ પર રોક
નોંધનીય છે કે મનોજ જરાંગેએ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મરાઠા અનામતની માગણી સાથે 29 ઑગસ્ટના રોજ આઝાદ મેદાનમાં આમરણ ઉપવાસ શરૂ કર્યા બાદ તેમના હજારો સમર્થકો દક્ષિણ મુંબઈમાં એકઠા થયા હતા.
સમર્થકોએ આંદોલનના સ્થળની આજુબાજુની જગ્યાઓ પર કબજો જમાવી દીધો હતો અને અનેક રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. મરાઠા સમુદાયના લોકો દક્ષિણ મુંબઈના વિવિધ સ્થળે ફરતા જોવા મળ્યા હતા.
તેમણે મંત્રાલય, બોમ્બે સ્ટોક એક્સચેન્જ સહિત જે. જે. માર્ગ, ડોંગરી અને કોલાબા જેવા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. મનોજ જરાંગેએ મંગળવારે પોતાનું આંદોલન પાછું ખેંચી લીધા બાદ તેમના સમર્થકો જતા રહ્યા હતા.
આપણ વાંચો: મુંબઈમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું, જરાંગેએ કહ્યું મરી જઈશ પણ આઝાદ મેદાન ખાલી નહી કરું…
દક્ષિણ મુંબઈમાં પાંચ દિવસ દરમિયાન આંદોલનકારીઓએ પોલીસ દ્વારા નક્કી કરાયેલી વિવિધ શરતોનું ઉલ્લંઘન કર્યું હતું.
મરાઠા અનામત આંદોલનકારીઓ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે એકઠા થવા અને મુંબઈ પોલીસના પ્રતિબંધાત્મક આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ નવ કેસ દાખલ કરાયા છે.
પોલીસે મંગળવારે મરાઠા અનામત આંદોલનના આયોજકોને તેમના આંદોલનને એક દિવસ વધારી આપવાની પરવાનગી નકારી કાઢી હતી. વિવિધ ઘટનાને ધ્યાનમાં રાખીને આંદોલનકારીઓ વિરુદ્ધ છ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. (પીટીઆઇ)