જરાંગેનું મરાઠા આંદોલન: આઝાદ મેદાનમાં પંદરસોથી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત

મુંબઈ: મરાઠા અનામતની માગણી માટે કાર્યકર્તા મનોજ જરાંગેના અનિશ્ર્ચિત ઉપવાસને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે પંદરસોથી વધુ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
જરાંગેએ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ 29 ઑગસ્ટથી આઝાદ મેદાનમાં અનિશ્ર્ચિત ઉપવાસ શરૂ કરશે. જરાંગે હજારો સમર્થકો સાથે 26 ઑગસ્ટે જાલના જિલ્લાના તેમના વતન અંતરવાલી સરસી ગામથી નીકળ્યા હતા.
ગુરુવારે સવારે તેઓ છત્રપતિ શિવાજી મહારાજના જન્મસ્થળ શિવનેરી કિલ્લા ખાતે પહોંચ્યા હતા અને બાદમાં મુંબઈ આવવા નીકળ્યા હતા.
આપણ વાંચો: મનોજ જરાંગે માટે મહારાષ્ટ્ર સરકારે ‘આ’ એવોર્ડ આપવાની કરી જાહેરાત
તેઓ એવી માગ કરી રહ્યા છે કે તમામ મરાઠાઓને કુણબી (એક આગરી જાતિ જે અન્ય પછાત વર્ગ (ઓબીસી) શ્રેણીમાં સમાવિષ્ટ છે) તરીકે માન્યતા આપવામાં આવે, જેનાથી તેઓ સરકારી નોકરી અને શિક્ષણમાં અનામત માટે પાત્ર બને.
આંદોલનને ધ્યાનમાં રાખીને આઝાદ મેદાન ખાતે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દક્ષિણ મુંબઈમાં 20 હજારથી વધુ આંદોલનકારીઓ આવવાની અપેક્ષા છે.
સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, રેપિડ એક્શન ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ તેમ જ મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સની એક-એક ટુકડીને પણ આઝાદ મેદાન ખાતે તહેનાત કરવામાં આવી છે. (પીટીઆઇ)