મરાઠા અનામતઃ શિંદેના નિર્ણયથી મહારાષ્ટ્રના કેબિનેટ નેતા નારાજ, જાણો શું કહ્યું?
મુંબઈઃ મરાઠા અનામત મુદ્દે મનોજ જરાંગેની ડિમાન્ડ માન્ય કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાનોની રાજ્ય સરકાર પ્રત્યે નારાજગી વધી છે. અન્ય પછાત વર્ગો (ઓબીસી) કેટેગરીમાં મરાઠાઓની “બેકડોર એન્ટ્રી” પર સવાલ ઉઠાવનાર અને મક્કમ વિરોધ વ્યક્ત કરનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી છગન ભુજબળે રવિવારે કહ્યું હતું કે તેઓ અનામત મુદ્દે રાજ્ય સરકારના નિર્ણયથી સંતુષ્ટ નથી.
ભુજબળે એવો પણ દાવો કર્યો હતો કે જસ્ટિસ (નિવૃત્ત) સંદીપ શિંદે, જેઓ મરાઠાઓના કુણબી રેકોર્ડ્સ શોધવા માટે રચવામાં આવેલી સમિતિના વડા છે, તેઓ ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા દોરવામાં આવેલા પગાર કરતાં લગભગ બમણો પગાર મેળવતા હતા અને તેને બિનજરૂરી ખર્ચ ગણાવ્યો હતો.
ભુજબળે શનિવારે ક્વોટા મુદ્દે સરકારના પગલાની ટીકા કરી હતી અને રવિવારે નાશિકમાં પત્રકારો સાથે વાત કરતા ભુજબળે કહ્યું હતું કે ઓબીસીને એવી લાગણી છે કે તેઓએ તેમનું આરક્ષણ ગુમાવ્યું છે કારણ કે તેનો લાભ મરાઠાઓ લેશે.
ભુજબળે કહ્યું હતું કે તેઓ મરાઠાઓને અલગ અનામત આપવાનું સમર્થન કરે છે, પરંતુ હાલના ઓબીસી ક્વોટામાં ભાગ પડાવવાનો વિરોધ છે. કારણ કે એકવાર તેઓ ઓબીસી માટે હાલના આરક્ષણનો એક ભાગ બની જશે, ત્યારે જ તેમને લાભ મળશે, તેમણે દાવો કર્યો.
મહારાષ્ટ્ર સરકારે માંગણીઓ સ્વીકાર્યા પછી મનોજ જરાંગેએ તેમના ઉપવાસના પારણાં કર્યા હતા. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી મરાઠાઓને અનામત ન મળે ત્યાં સુધી તેમને ઓબીસી દ્વારા માણવામાં આવતા તમામ લાભો આપવામાં આવશે.
જરાંગે સાથેની વાટાઘાટો બાદ સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે મરાઠા વ્યક્તિના લોહીના સંબંધીઓ, જેમની પાસે તે દર્શાવવા માટે રેકોર્ડ છે કે તે કૃષિ કુણબી સમુદાયનો છે, તેમને પણ કુણબી તરીકે ઓળખવામાં આવશે.