Maratha Reservation: શિંદે કમિટીને ૩૦ એપ્રિલ સુધી એક્સટેન્શન
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયના કુણબી રેકોર્ડની તપાસ માટે ગયા વર્ષે રચાયેલી સંદીપ શિંદે સમિતિને ૩૦ એપ્રિલ સુધી લંબાવી દીધી છે. આ સમિતિનું ગઠન ૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું.
મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે એવી (જેથી તેઓ ઓબીસી ક્વોટાનો લાભ લઈ શકે) ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગેની માંગના જવાબમાં સરકારે કહ્યું હતું કે જે મરાઠાઓ જૂના રેકોર્ડ્સ રજૂ કરી શકે છે જેમાં તેઓ અથવા તેમના પૂર્વજો કુણબી-મરાઠા તરીકે ઓળખાય છે તેમને આવા પ્રમાણપત્રો આપવામાં આવશે.
બુધવારે એક સરકારી ઠરાવમાં જણાવ્યું હતું કે સમિતિને નિઝામ-યુગના રેકોર્ડ્સ મેળવવા માટે હૈદરાબાદની મુલાકાત લેવી પડશે અને મહારાષ્ટ્રમાં પુરાતત્વીય રેકોર્ડની તપાસ કરવી પડશે તેથી તેમને વધુ બે મહિનાનો સમય લાગશે.
મરાઠા સમુદાયના સભ્યોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપતું બિલ ગયા મહિને રાજ્ય વિધાનસભાના વિશેષ સત્રમાં પસાર થયું હતું. મહારાષ્ટ્ર સરકારના પગલા પર વચગાળાના સ્ટેની માંગણી કરતી કેટલીક વ્યક્તિઓએ બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે.