મરાઠા અનામત: ડ્રાફ્ટ નોટિફિકેશન અંતિમ નથી, ઓબીસી નેતાઓ વિરોધ નોંધાવી શકે : બાવનકુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ સાંગલી જિલ્લામાં એક મહત્ત્વનું નિવેદન કરીને ઓબીસી સમાજને આશ્ર્વાસન આપવાનું કામ કર્યું છે અને મરાઠા સમાજની અનામત માથે લટકતી તલવાર હોવાનો સંકેત આપ્યો છે. તેમણે મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મરાઠા સમાજને કુણબી જાતીના પ્રમાણપત્ર આપવાનું જે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તે હજી સુધી અંતિમ નથી અને ઓબીસી સમાજના નેતાઓ તેના પર પોતાના વાંધાવિરોધ નોંધાવી શકે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર મરાઠા સમાજને અનામતનો લાભ આપવા માટે સકારાત્મક છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા લેવામાં આવેલા પગલાં આ જ દિશામાં યોગ્ય છે.
રાજ્ય સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે તેમાં ‘સગે સોયરે’ (સગાસંબંધી) શબ્દ અંગે વાંધા વિરોધ મગાવવામાં આવ્યા છે. આથી આ અંતિમ નિર્ણય નથી. જો ઓબીસી નેતાઓને લાગતું હોય કે તેમને અન્યાય થઈ શકે છે તેઓ પોતાના વાંધા-વિરોધ નોંધાવી શકે છે. અંતિમ નિર્ણય વાંધા-વિરોધ અને સૂચનો સાંભળ્યા બાદ જ લેવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે કુણબીના પ્રમાણપત્ર મેળવ્યા બાદ મરાઠા સમાજ ઓબીસીમાંથી અનામત મેળવવાને પાત્ર બનશે. જે મરાઠા સમાજના લોકો પાસે કુણબીના પ્રમાણપત્ર નથી તેમને માટે અલગથી અનામત આપવાનો વિચાર રાજ્ય સરકાર કરી રહી છે.