મરાઠા અનામતઃ ભૂખ હડતાળ પાછી ખેંચવા આંદોલનકારી તૈયાર પણ આ શરત
મુંબઈ: મરાઠાઓને અનામત મળે એ હેતુથી બેમુદત ભૂખ હડતાળ પર ઉતરેલા આંદોલનકારી મનોજ જરાંગેએ આજે કહ્યું હતું કે પોતે બેમુદત ભૂખ હડતાળ પાછી ખેંચવા તૈયાર છે, પણ મરાઠવાડા વિસ્તારના મરાઠાઓને સરકાર કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવાની શરૂઆત નહીં કરે. આમ છતાં ત્યાં સુધી પોતે આ આંદોલન ચાલી રાખશે. એટલું જ નહીં, પોતે એ જગ્યા પણ છોડીને ક્યાંય જશે નહીં, એમ જરાંગેએ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સમિતિ મરાઠા આરક્ષણ વિશે અહેવાલ તૈયાર કરી શકે એ માટે પોતે મહારાષ્ટ્ર સરકારને એક મહિનાનો સમય આપ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
40 વર્ષના જરાંગે 29 ઓગસ્ટથી મુંબઈથી 400 કિલોમીટર દૂર આવેલા મધ્ય મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંતરવલી સરાટી ગામમાં બેમુદત ભૂખ હડતાળ પર ઉતર્યા છે. મરાઠાઓને અન્ય અનુસૂચિત જાતિના વિભાગ હેઠળ નોકરી અને શિક્ષણમાં આરક્ષણની માંગણી કરવામાં આવી છે.
મરાઠા જાતિના લોકોને કુણબી જાતિના પ્રમાણપત્ર આપવા માટેની વિધિસર તૈયારી કરવા રાજ્ય સરકારે ન્યાયમૂર્તિ સંદીપ શિંદે (નિવૃત્ત)ના અધ્યક્ષતા હેઠળ પાંચ સભ્યની સમિતિની નિમણૂક કરી છે. આ પ્રમાણપત્ર મળ્યા પછી મરાઠવાડા વિસ્તારના મરાઠાઓને અન્ય અનુસૂચિત જાતિ હેઠળ અનામતનો લાભ મળશે.
મરાઠવાડા વિસ્તારમાં આઠ જિલ્લાનો સમાવેશ છે, જેમાં ઔરંગાબાદ, બીડ, હિંગોળી, જાલના, લાતુર, નાંદેડ, ઉસ્માનાબાદ અને પરભણીનો સમાવેશ થાય છે.