મનોજ જરાંગે-પાટીલના આંદોલનને કારણે દક્ષિણ મુંબઈમાં જનજીવન ઠપ્પ, જાણો વર્તમાન સ્થિતિ

મુંબઈઃ મરાઠા અનામત માટે આજે મુંબઈના આઝાદ મેદાન ખાતે અનશન પર બેઠેલા મનોજ જરાંગે-પાટિલ અને તેમના સમર્થકોએ જાણે મુંબઈ અને મુંબઈગરાને બાનમાં લીધા હોય એમ ઠેર ઠેર ટ્રાફિક જામ, રોડ બ્લોકિંગ, વાહનોની અવરજવર પર રોક જેવી સમસ્યાઓથી મુંબઈગરા હેરાન-પરેશાન થઈ ઉઠ્યા છે. આંદોલકોએ મુંબઈના મહત્ત્વના રસ્તા પર ધરણા આપી રહ્યા છે. આ આંદોલનને કારણે મુંબઈના જનજીવન પર ખાસ્સી એવી અસર જોવા મળી રહી છે. ચાલો નજર કરીએ મુંબઈની વર્તમાન સ્થિતિ પર…
ગૃહ પ્રધાન અમિત શાહ આજે મુંબઈમાં
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ આજે મુંબઈમાં લાલબાગ ચા રાજાના દર્શન માટે મુંબઈ આવી રહ્યા છે. અમિત શાહ અહીં મુંબઈમાં ગણપતિ દર્શન સિવાય ભાજપના કેટલાક મોટા માથાઓને પણ મળશે. ગૃહ પ્રધાનની આ મુંબઈ વિઝિટને કારણે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
1500 પોલીસકર્મીઓનો બંદોબસ્ત
મરાઠા મોર્ચાને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે મુંબઈ પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. એકલા આઝાદ મેદાનમાં જ 1500 સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે, જ્યારે ગણેશોત્સવને કારણે પહેલાંથી જ 18,000થી વધુ અધિકારીઓ મુંબઈના વિવિધ વિસ્તારમાં તહેનાત છે.
બે કલાકની અંદર મુંબઈ ખાલી કરોઃ મનોજ જરાંગે
આઝાદ મેદાન ખાતે મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલાં મનોજ જરાંગે પાટીલે પોતાના સંબોધનમાં સમર્થકોને બે કલાકની અંદર મુંબઈ ખાલી કરવાનું આહ્વાન કર્યું હતું. એટલું જ નહીં તેમણે અમુક સમર્થકોને નવી મુંબઈના વાશી ખાતે જઈને આંદોલન કરવા પણ જણાવ્યું હતું, પરંતુ તેમ છતાં સમર્થકો મોટી સંખ્યામાં મુંબઈ ખાતે જ પહોંચીને મુંબઈના અનેક રસ્તાઓ અને વિસ્તારોમાં જામ કર્યું હતું.
આઠ કલાકની પરમિશન અને એક મહિનાનું રાશન લઈને પહોંચ્યા આંદોલકો
મનોજ જરાંગે પાટીલને મુંબઈ પોલીસ દ્વારા મરાઠા અનામત માટે આઠ કલાક જ આંદોલન કરવાની પરવાનગી આપી હોવા છતાં પણ આંદલકો ટ્રકોમાં એક મહિનો ચાલે એટલું રાશન, શાકભાજી અને ગેસના ચૂલા વગેરે લઈને આઝાદ મેદાન પહોંચ્યા હતા. દરમિયાન એવી માહિતી પણ સામે આવી રહી છે કે મુંબઈ પોલીસ દ્વારા આંદલકોને આઝાદ મેદાન ખાતે રસોઈ કરવાની પરવાનગી નથી આપવામાં આવી.
ભાયખલામાં પણ બેરિકેડિંગ
પ્રદર્શનકારીઓને નિયંત્રણમાં રાખવા માટે મુંબઈ પોલીસે સવારથી જ ભાયખલા સહિત અનેક વિસ્તારોમાં બેરિકેડિંગ કરવામાં આવ્યા છે. પ્રદર્શકારીઓને લઈ જઈ રહેલાં વાહનોને પણ જેજે ફ્લાયઓપરથી મોહમ્મદ અલી રોડ પર વાળી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…મનોજ જરાંગેના આંદોલનને કારણે ચર્ચામાં આવેલા Azad Maidanના હિડન ફેક્ટ્સ જાણો છો?