મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓને મુખ્ય પ્રધાનની મોટી રાહત, જરાંગેની માગણી પણ પૂરી
એકનાથ શિંદેએ ઉચ્ચ શિક્ષણ માટે વ્યાવસાયિક શિક્ષણના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર સબમિટ કરવાની મુદત લંબાવી: છ મહિના સુધી સબમિટ કરવાની છૂટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા આરક્ષણની માગણીને લઈને મનોજ જરાંગે પાટીલ ફરી એકવાર ભૂખ હડતાળ પર ઉતર્યા છે, જ્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મરાઠા સમુદાયને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણ વિભાગને લઈને મોટો નિર્ણય લીધો છે.
સરકારે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર સબમિટ કરવાની મુદત લંબાવી છે. વિદ્યાર્થીઓને અરજીની તારીખથી છ મહિના સુધી જાતિ માન્યતા પ્રમાણપત્ર સબમિટ કરવાની છૂટ છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આ નિર્ણયને કારણે મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓને સરકાર પાસેથી કુણબી પ્રમાણપત્ર મેળવીને કોલેજમાં જમા કરાવવા માટે 6 મહિનાનો સમય મળશે. મનોજ જરાંગે પાટીલની આ પણ એક માંગ હતી.
આ પન વાચો : વિધાનસભાની ચૂંટણી પહેલાં શરદ પવાર અને મુખ્યપ્રધાનની મુલાકાત: રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ
વાસ્તવમાં રાજ્યમાં મરાઠા સમાજના લોકોને કુણબી પ્રમાણપત્ર આપવાનું કામ અત્યારે ધીરું પડ્યું છે. મરાઠા સમાજ અને ઓબીસી સમાજ વચ્ચે અનામતના જીઆરને મુદ્દે ખેંચતાણ થઈ રહી છે અને રાજકીય વાતાવરણ ડહોળાયું છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આ બાબતે અંતિમ નિર્ણય થઈ શકે છે, ત્યાં સુધી મરાઠા સમાજના લોકોને શૈક્ષણિક અભ્યાસક્રમમાં પ્રવેશમાં અવરોધ ઊભા ન થાય તે હેતુથી જ આ મુદત લંબાવી આપવામાં આવી હોવાનું કહેવાય છે.