
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય સરકારે મંત્રાલયમાં પ્રવેશ માટે જૂની પદ્ધતિએ આપવામાં આવતી ઓફલાઇન એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લીધો છે. પહેલી ઓગસ્ટથી મંત્રાલયમાં પ્રવેશ માટે ઓનલાઇન પ્રક્રિયા ડિજિપ્રવેશ ફરજિયાત બનાવવામાં આવશે.
ત્રાલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ અંગે સૂચનાઓ આપવામાં આવી છે, અને વધુમાં, તમામ પ્રધાનોની કચેરીઓને સૂચનાઓ આપવામાં આવી છે, એમ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: બીએમસીની ચૂંટણી પહેલા મંત્રાલયમાં ચાલે છે ફાઈલ-વૉર? ફડણવીસ અને શિંદે આમને સામને
રાજ્ય સરકારે થોડા દિવસો પહેલા મંત્રાલયમાં પ્રવેશ માટે અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘ચહેરા ઓળખ’ (આરએફઆઈડી) સિસ્ટમ શરૂ કરી હતી. આ સિસ્ટમનો અમલ શરૂ કર્યા પછી, રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે મંત્રાલયમાં મુલાકાતીઓના પ્રવેશ માટે નવી સિસ્ટમ શરૂ કરવામાં આવશે. તે મુજબ, હવે આ વર્ષની શરૂઆતથી મંત્રાલયમાં પ્રવેશ માટે નવી ઓનલાઈન પ્રક્રિયા ડિજિપ્રવેશ લાગુ કરવામાં આવી છે. હવે, ફક્ત ડિજિપ્રવેશ ઓનલાઈન સિસ્ટમ દ્વારા જ એન્ટ્રી આપવામાં આવશે. મંત્રાલયના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે જૂની સિસ્ટમ સંપૂર્ણપણે રદ કરવામાં આવશે. આ પ્રક્રિયા પહેલી ઓગસ્ટથી ફરજિયાત બનાવવામાં આવશે.
ડિજિપ્રવેશ એ આધાર નંબર સાથે જોડાયેલી એક ઓનલાઈન સિસ્ટમ છે. આ સિસ્ટમ દ્વારા, મંત્રાલયમાં જે વિભાગની મુલાકાત લેવા માગો છો અથવા જે અધિકારીઓને મળવા માગતા હો તે વિશેની બધી માહિતી આ સિસ્ટમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, આ ઓનલાઈન પ્રક્રિયા લાગુ કરતી વખતે, મુલાકાતીઓનું ફેસ વેરિફિકેશન પણ પૂર્ણ કરવામાં આવશે. આ સિસ્ટમ દ્વારા, ફેસ વેરિફિકેશન 10 સેક્ધડમાં પૂર્ણ થશે. આ ઉપરાંત, એક ક્યુઆર કોડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિસ્ટમ મુલાકાતીઓને મુલાકાત લેવા માટેના સમયની પણ બચત કરશે.
આ પણ વાંચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંત્રાલયમાં નેશનલ કોમન મોબિલિટી કાર્ડનું અનાવરણ કર્યું
વિધાન ભવનમાં પણ શરૂ થયું?
થોડા દિવસો પહેલા, વિધાન ભવનમાં વિધાનસભ્યોના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ વાત રાજ્યભરમાં ગાજ્યા બાદ, મંત્રાલયના સૂત્રોએ માહિતી આપી હતી કે હવે વિધાન ભવનમાં પણ ‘ચહેરા ઓળખ’ સિસ્ટમ શરૂ કરવા માટે ટ્રાયલ હાથ ધરવામાં આવશે. આ સમયે માહિતી આપવામાં આવી હતી કે આ પ્રક્રિયા મંત્રાલયની જેમ લાગુ કરી શકાય કે નહીં તે અંગે હાલમાં ચર્ચા ચાલી રહી છે.