
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટે તેમની રાજકીય કારકિર્દી પર પડી રહેલા ગ્રહણથી મુક્તિ મેળવવા માટે શનિદેવની પૂજા કરી રહ્યા છે. નંદુરબારની મુલાકાતે ગયેલા કોકાટેએ શનિવારે સાડાસાતીથી મુક્તિ મેળવવા માટે ભક્તોમાં શક્તિપીઠ તરીકે જાણીતા શનિમંડળ ખાતેના શનિ મંદિરમાં પૂજા કરી હતી.
રવિવારે નંદુરબાર જિલ્લાનો પ્રવાસ શરૂ કરતાં પહેલા જ્યારે પત્રકારોએ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે વાત કરવાનું ટાળ્યું હતું. તેઓ શનિમંડળ ખાતે આરોગ્ય શિબિર માટે રવાના થયા. શનિમંડળ પહોંચતાની સાથે જ તેઓ આ ગામના પ્રખ્યાત શનિ મંદિરમાં ગયા અને પૂજા અને આરતી કરી હતી. કૃષિ પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછીથી તેમની પાછળ સતત ચાલી રહેલા વિવાદોથી કોકાટે ખૂબ જ પરેશાન છે. એનસીપી પ્રમુખ અજિત પવારે પહેલેથી જ એવી સ્પષ્ટતા કરી દીધી છે કે તેમના કૃષિ પ્રધાનપદ અંગે મંગળવારે નિર્ણય લેવામાં આવશે. આ પૃષ્ઠભૂમિમાં, એવું માનવામાં આવે છે કે કોકાટે શનિ મંદિરમાં ગયા અને શનિદેવની પૂજા કરી.
આ પણ વાંચો: માણિકરાવ કોકાટે પર અજિત પવારે મૌન તોડ્યું, મોટી કાર્યવાહી કરવાની તૈયારી?
આ પ્રસંગે કોકાટેએ ભાષણમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સહકારી અને સાથી એવા શિંદે જૂથના પદાધિકારીઓએ રાજ્ય દુષ્કાળનો સામનો કરી રહ્યું હોવાથી ખેડૂતોને રાહત આપવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. શનિમંડળના સરપંચે ધ્યાન દોર્યું હતું કે કમોસમી વરસાદથી ડુંગળીના પાકને થયેલા નુકસાનનું વળતર હજુ સુધી મળ્યું નથી. તેમણે શનિશ્ર્વર મહારાજને દુકાળનો અંત લાવવા, આપણા બધાના જીવનમાં સાડાસાતીનો અંત લાવવા અને આપણને સારા દિવસો આપવા માટે પ્રાર્થના કરી હતી. કોકાટેએ એ પણ સ્વીકાર્યું કે તેમણે ભગવાનને લોકોના જીવનમાં સંકટ દૂર કરવા માટે પ્રાર્થના કરી હતી.