બોલો, વિધાનસભામાં મોબાઈલમાં રમી રમતા જોવા મળ્યા કૃષિ પ્રધાનઃ રોહિત પવાર કર્યા પ્રહાર…

નાગપુર: મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રધાનો યેનકેન પ્રકારે ચર્ચામાં છે, ચાહે કોઈ સાથે મારપીટનો મુદ્દો હોય કે વિના કોઈ કામ વિધાનસભામાં ગેમ રમવાનો. મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટે વિધાનસભામાં ગેમ રમતો વીડિયો વાયરલ થયા પછી ફરી રાજ્ય સરકારના પ્રધાન પર સવાલો કરવામાં આવી રહ્યા છે.
એનસીપી (એસપી)ના ધારાસભ્ય રોહિત પવારે ગઈ કાલે શાસક એનસીપી જૂથની ટીકા કરતા કહ્યું કે તે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની સલાહ લીધા વિના કામ કરી શકતું નથી. તેમણે મહારાષ્ટ્રના પ્રધાન માણિકરાવ કોકાટેનો રાજ્ય વિધાનસભામાં મોબાઈલ ફોન પર ગેમ રમતા હોવાનો કથિત વીડિયો પોસ્ટ કર્યો હતો.
શાસક પક્ષ એનસીપી, ભાજપ સાથે સલાહ લીધા વિના કામ કરી શકતો નથી, તેથી જ રાજ્યમાં કૃષિ સંબંધિત અનેક મુદ્દાઓ પેન્ડિંગ હોવા છતાં, દરરોજ આઠ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોવા છતાં, કૃષિ પ્રધાન, જેમની પાસે કોઈ કામ નથી, તેમની પાસે રમી રમવાનો સમય હોય તેવું લાગે છે,” એનસીપી (એસપી) ના ધારાસભ્યે પોસ્ટમાં લખ્યું હતું. વારંવાર પ્રયાસો કરવા છતાં કોકાટે ટિપ્પણી માટે ઉપલબ્ધ નહોતા.
દરમિયાન, કોંગ્રેસ વિધાનસભા પક્ષ (સીએલપી) ના નેતા વિજય વાડેટ્ટીવારે મહાયુતિ સરકાર પર ખેડૂતો પ્રત્યે “કપટી” અને “વિશ્વાસઘાતી” હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં ખેડૂતો મરી રહ્યા છે અને કૃષિપ્રધાન તેમના મોબાઇલ ફોન પર ગેમ રમી રહ્યા છે. આ કપટી અને વિશ્વાસઘાતી સરકારને ખેડૂતોની કોઈ ચિંતા નથી તેમણે કહ્યું હતું.