છેતરપિંડી કેસમાં NCP નેતા માણિકરાવ કોકાટેને હાઈ કોર્ટમાંથી રાહતઃ જામીન મંજૂર

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે એનસીપી નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન માણિકરાવ કોકાટેને સરકારી આવાસ યોજના સાથે જોડાયેલા છેતરપિંડી અને બનાવટી કેસમાં જામીન મંજૂર કરી તેમની બે વર્ષની જેલની સજા સ્થગિત કરી દીધી છે.
જોકે, પ્રથમ દ્રષ્ટિએ પુરાવા કોકાટેની સંડોવણી તરફ નિર્દેશ કરતા હોવાથી અદાલતે દોશી ઠેરવવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. પોતાની આવક વિશે ખોટું સોગંદનામું રજૂ કરીને આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ) માટે સરકારી યોજનામાં ફ્લેટ મેળવ્યો હોવાનો આરોપ એનસીપી નેતા પર મૂકવામાં આવ્યો હતો.
અદાલતે સ્પષ્ટતા કરી હતી કે ‘સસ્પેન્ડ સજાને કારણે ફોજદારી ગુના માટે દોષિત વ્યક્તિને (કેબિનેટનું પદ સંભાળવાની) મંજૂરી આપવી એ જાહેર સેવા માટે ગંભીર બાબત છે અને પૂર્વગ્રહ પેદા થશે.
આપણ વાચો: મહારાષ્ટ્રના પ્રધાન માણિકરાવ કોકાટે પહોંચ્યા હાઈ કોર્ટઃ છેતરપિંડી કેસમાં સજાને આપી પડકાર…
ન્યાયમૂર્તિ આર એન લઢ્ઢાએ પોતાના આદેશમાં નોંધ્યું હતું કે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન અને સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ પેન્ડિંગ દરમિયાન કોકાટે જામીન પર હતા. હાઈકોર્ટે કહ્યું કે જેલની સજા માત્ર બે વર્ષની હોવાથી તે જામીન પાત્ર છે.
‘સજા સ્થગિત કરવાની અરજીને મંજૂરી આપવામાં આવી છે. અરજદારે જામીન તરીકે એક લાખ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે’ એમ હાઈકોર્ટે સેશન્સ કોર્ટના આદેશ વિરુદ્ધ કોકાટેની પુનરાવર્તન અરજીની સુનાવણી વખતે જણાવ્યું હતું.
(પીટીઆઈ)



