‘રમી’ વિવાદથી જાણીતા કોકાટેને કૃષિ મંત્રાલયમાંથી હટાવાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મોડી રાત્રે થયેલા કેબિનેટ ફેરફારમાં મહારાષ્ટ્રના પ્રધાન અને ગૃહમાં રમી રમવાના વાઈરલ વીડિયો અંગે જાણીતા એનસીપીના નેતા માણિકરાવ કોકાટે પાસેથી કૃષિ મંત્રાલય છીનવી લેવામાં આવ્યું છે અને તેમને રમતગમત અને યુવા કલ્યાણ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે.
ગુરુવારે મોડી રાત્રે સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા જારી કરાયેલા એક આદેશમાં જણાવાયું છે કે વર્તમાન રમતગમત ખાતાના પ્રધાન દત્તાત્રેય ભરણે નવા કૃષિ મંત્રી પ્રધાન રહેશે. કોકાટે લઘુમતી કલ્યાણ અને વકફ વિભાગોનો પણ હવાલો સંભાળશે, એમ તેમાં જણાવાયું છે.
કોકાટે અને ભરણે બંને અજિત પવારની આગેવાની હેઠળના એનસીપીના વિધાનસભ્ય છે. ભરણે પુણે જિલ્લાના ઇન્દાપુરના વિધાનસભ્ય છે.નાસિકના સિન્નર મતદારસંઘના વિધાનસભ્ય કોકાટે વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન વિધાન પરિષદમાં બેઠા હતા ત્યારે તેમના મોબાઇલ ફોન પર ઓનલાઈન રમી ગેમ રમી રહ્યા હતા એવો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
આ ઉપરાંત થોડા મહિના પહેલા ખેડૂતોને ભિખારીઓ સાથે સરખાવીને તેમણે વિવાદ પણ ઉભો કર્યો હતો.
આ પણ વાંચો…માણિક કોકાટેના રમી કેસ પછી, પુણેની ગ્રામ પંચાયતે કેસિનો ક્લબ ખોલવાની પરવાનગી માગી