લાલબાગ ચા રાજા માટે આટલા કરોડનો ઈન્શ્યોરન્સ કરાવ્યો મંડળે…
મુંબઈઃ વિઘ્નહર્તાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ભક્તો પણ કાગડોળે બાપ્પાની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ અનેક મંડળોએ વર્કશોપમાંથી મૂર્તિઓ અઠવાડિયા-પંદર દિવસ પહેલાં જ પંડાલમાં લઈ આવ્યા છે. દરમિયાન લાલબાગ ચા રાજાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
મુંબઈની ઓળખ સમાન લાલબાગ ચા રાજાએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. મંડળે આશરે 26.5 કરોડ ઈન્શ્યોરન્સ પાંચ લાખ ચાળીસ હજાર રૂપિયાનો હપ્તો લઈને લીધો છે. આ ઈન્શ્યોરન્સ મંડળે ન્યુ ઈન્ડિયા અશ્યોરન્સ કંપની દ્વારા ઉતારવામાં આવ્યો છે.
લાલબાગ ચા રાજા ગણેશોસ્તવ મંડળ દ્વારા બે મહિનાના સમયગાળા માટે આ વીમો લેવામાં આવ્યો છે. 24મી ઓગસ્ટથી 23મી ઓક્ટોબર સુધી આ ઈન્શ્યોરન્સ લેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના અકસ્માત માટે 12 કરોડ રૂપિયાનું ઈન્શ્યોરન્સ, ઈલેક્ટ્રિક ગેજેટ કે અન્ય કોઈ વસ્તુને કારણે થયેલાં નુકાસ માટે અઢી કરોડ રૂપિયાનું તેમ જ બાપ્પાની મૂર્તિ પરના દાગિના અને અન્ય મુલ્યવાન વસ્તુઓ માટે સાત કરોડ ચાર હજાર રૂપિયાનું ઈન્શ્યોરન્સ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રસાદ વગેરેને કારણે જો ફૂડપોઈઝનિંગ કે કંઈ થાય એ માટે રૂપિયા પાંચ કરોડનું ઈન્શ્યોરન્સ કરાવ્યો છે.
ગણપતિના ભક્તો, મંડળના વિશ્વસનીય અને રજિસ્ટર્ડ સભ્યો, વોલિન્ટિયર, સ્થાનિક રહેવાસી, સિક્યોરિટી ગાર્ડ્સ, વોચમેન વગેરેનો 12 કરોડ રૂપિયાનો પર્સનલ ઈન્શ્યોરન્સ કરાવવામાં આવ્યો છે. જોઈ કોઈ અનિચ્છનિય ઘટના ઘટે તો એ માટે રૂપિયા પાંચ લાખનું વળતર પણ મંડળ દ્વારા આપવામાં આવશે, એવું મંડળના ખજાનચી મંગેશ દળવીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કે આ માટે મંડળે પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયાનું પ્રીમિયમ ભર્યું છે. ગયા વર્ષે મંડળે રૂપિયા 25.6 કરોડનું ઈન્શ્યોરન્સ કરાવ્યું હતું અને એ સમયે મંડળે પાંચ લાખ વીસ હજાર રૂપિયાનું પ્રીમિયમ ભરવામાં આવ્યું હતું, એવું દળવીએ વધુમાં જણાવ્યું હતું.