ચેમ્બુરમાં છેડતીનો વિરોધ કરનારા યુવકની હત્યા: ત્રણની ધરપકડ…

મુંબઈ: ચેમ્બુરમાં છેડતીનો વિરોધ કરનારા 28 વર્ષના યુવકની ચાકુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. બુધવારે બનેલી આ ઘટનાને બદલે તિલકનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણ જણની ધરપકડ કરી હતી.
મૃતકની ઓળખ જય શિંદે તરીકે થઇ હોઇ તે ચેમ્બુરની સેલ કોલોનીમાં રહેતો હતો. આ વિસ્તારમાં રહેનારી યુવતીની આરોપી દીપેશ ભોસલે અને સુમિત સોનાવણેએ 30 જુલાઇએ છેડતી કરી હતી. આની જાણ થતાં કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો, જેમાં જય શિંદે પણ હતો. જય શિંદેએ એ સમયે એક આરોપીને તમાચો મારી દીધો હતો.
દરમિયાન બુધવારે મધરાતે જય તેના મિત્ર સાથે લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતે ચા પીવા માટે ગયો હતો, જ્યાં આરોપીઓ પણ હાજર હતા. તેમણે જય અને તેના મિત્રની મારપીટ કરી હતી અને બાદમાં જય પર ચાકુના ઘા ઝીંકી દીધા હતા.
ઘવાયેલા જયને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. તિલકનગર પોલીસે ગુનો દાખલ કરીને દીપેશ, સુમિત સહિત ત્રણની ધરપકડ કરી હતી.