ડિજિટલ અરેસ્ટનો કૉલ કરનારા નકલી પોલીસને આ રીતે પજવ્યો મુંબઈના યુવાને

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને પોલીસ વિભાગ દ્વારા વારંવાર કહેવા છતાં લોકો ડિજિટલ અરેસ્ટ સ્કેમના શિકાર બની રહ્યા છે અને લાખો, કરોડો રૂપિયા આ સાઈબર ગઠિયાઓની જાળમાં ફસાઈને ગુમાવી દે છે. શિક્ષિતો પણ આ લોકોનો શિકાર બની રહ્યા છે ત્યારે અંધેરીના એક યુવકે આ ફ્રોડ કરનારાને જ પજવી નાખ્યો હતો અને અંતે કંટાળીને તેણે જ ફોન કટ કરી નાખ્યો હતો.
આ વીડિયો માત્ર કન્ટેન્ટ ક્રિએટ કરવા મૂકાયો છે કે ખરેખર આ રીતે નકલી પોલીસને પાઠ ભણાવવામાં આવ્યો છે તે અગેની માહિતી મળી નથી, પરંતુ વીડિયો ઘણો રસપ્રદ છે અને ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આપણ વાંચો: કવર સ્ટોરી ઃ ડિજિટલ અરેસ્ટની આભાસી માયાજાળ ‘એનસીપીઆઇ’ એડવાઇઝરી કેવા ઉપાયો સૂચવે છે?
વીડિયોમાં અંધેરી પોલીસના નામે એક વ્યક્તિ કેમેરામાં દેખાઈ છે અને તેણે ખાખી વર્દી પણ પહેરી છે. તેની સામે એક યુવાન પોતાના પપ્પીને રાખે છે અને કહે છે કે લો હું આવી ગયો કેમેરાની સામે. ત્યારબાદ પેલો અધિકારી જરાક હસી પડે છે અને તેને ખબર પડે છે કે મારી સાથે આ રમી રહ્યો છે એટલે તે તરત ફોન કટ કરી દે છે. જોકે પેલો યુવાન તેને છેડવાનું ચાલુ રાખે છે.
આ વીડિયો પર નેટીઝન્સ અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા આને કન્ટેન્ટ ક્રિએશન માની રહ્યા છે તો અમુક લોકો જૈસે કો તૈસા મિલા તેમ કહી રહ્યા છે.
શું છે ડિજિટલ અરેસ્ટ
દેશમાં ડિજિટલ અરેસ્ટના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આવા કેસમાં તમને તમારા મોબાઈલ નંબર પર એક વીડિયો કૉલ આવે છે. જેમાં સામેની વ્યક્તિ પોલીસ કે કસ્ટમ કે અન્ય તપાસ કરતી સરકારી અધિકારી તરીકે તમારી સામે પેશ થાય છે.
તમે કોઈ મોટા કૌભાંડમાં ફસાયા છો અને તમારી ધરપકડ થશે, તમે જેલમાં જશો વગેરે કહી તમને ડરાવે છે અને પછી તમને આમાંથી છૂટકારો આપવાની ભલમનસાઈ બતાવી તમારી પાસેથી નાણાં ખંખેરી લે છે.
આપણ વાંચો: બેંગલુરુનાં સોફ્ટવેર એન્જિનિયરે ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ૧૧.૮ કરોડ રૂપિયા ગુમાવ્યા
ઘણા શિક્ષતોએ બે-પાંચ હજાર નહીં પણ કરોડો આ રીતે ઓનલાઈન ટ્રાન્સફર કર્યાના કિસ્સા રોજ બનતા રહે છે. સરકારે આવા કોઈપણ જાતની છેતરામણીથી બચવા ખાસ હેલ્પલાઈન નંબર 1930 પણ લોંચ કર્યો છે. કોઈપણ સરકારી એજન્સી આ રીતે ફોનકોલ કરતી નથી અને પૈસા માગતી નથી તે વાત વારંવાર સમજાવવામાં આવી રહી છે.
તમને પણ આવો કોઈ ફોનકોલ કે વીડિયો કોલ આવે તો તરત તેને કટ કરી પોલીસ ખાતાની મદદ લો.
 
 
 
 


