મોદી-યોગીના વખાણ કર્યા તો પતિએ આપ્યો ત્રિપલ તલાક!
ભાજપનું મુંબઈ એકમ આવ્યું વ્હારે, આપશે 51,000 અને કાયદાકીય સહાય
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોધ્યામાં મરિયમ નામની એક મુસ્લિમ મહિલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના વખાણ કર્યા અને તેમણે કરેલા વિકાસકાર્યોની પ્રશંસા કરી તેનાથી રોષે ભરાયેલા તેના પતિએ તેને ઢોરમાર મારીને ત્રિપલ તલાક આપવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જોકે, મરિયમ સાથે થયેલા અત્યાચારને પગલે ભાજપના મુંબઈ એકમનો અલ્પસંખ્યક મોરચો તેની સહાય કરવા માટે આગળ આવ્યો છે.
મુંબઈ ભાજપના મહિલા મોરચાએ મરિયમને 51,000 રૂપિયાની આર્થિક સહાય આપવા ઉપરાંત તેને અદાલતમાં પતિ વિરુદ્ધ કેસ લડવા માટે કાયદાકીય મદદ કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: અમદાવાદના જગન્નાથ મંદિરમાં સર્જાયા સુંદર દૃશ્યો જ્યારે વિસ્તારની મુસ્લિમ મહિલાઓ…
મરિયમ તેના પતિ અર્શદ સાથે અયોધ્યાના લતા મંગેશકર ચોક ખાતે ગઇ હતી ત્યારે તેેણે અહીં થયેલા વિકાસથી પ્રભાવિત થઇને મોદી અને યોગીના વખાણ કર્યા હતા. મરિયમે તેમની પ્રશંસા કરતા ગુસ્સે ભરાયેલા અર્શદે તેની ખૂબ મારપીટ કરી હતી અને તેના ચહેરા પર ઉકળતું પ્રવાહી ફેંક્યું હતું, જેના કારણે તે દાઝી ગઇ હતી. એટલું જ નહીં અર્શદે તેને ત્રિપલ તલાક પણ આપ્યો હતો. મહિલાએ એક વીડિયો બહાર પાડીને પોતાની આપવીતી યોગી આદિત્યનાથને કહી હતી.
મરિયમનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો હતો અને મુંબઈના ભાજપના અલ્પસંખ્યક મોરચાએ તેની નોંધ લઇને મરિયમને આર્થિક અને કાયદાકીય સહાય આપવાની જાહેરાત કરી હતી. મરિયમને 51,000 રૂપિયા આપવાની જાહેરાત મુંબઈ ભાજપ અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ વસીમ ખાને એક પત્રકાર પરિષદ દરમિયાન કરી હતી.