પાણીના જોરદાર પ્રવાહમાં તણાયો યુવક,વીડિયો થયો વાયરલ
દેશના અનેક ભાગોમાં ચોમાસાનો જોરદાર વરસાદ ચાલુ છે. અનેક નદીઓમાં પૂર આવ્યા છે. મહારાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રના રત્નાગીરી ખેડમાંથી એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે. ઘેડ તાલુકાના શેલડી ડેમના વહેણમાં 32 વર્ષીય યુવક તણાઈ ગયો હતો. અચરજની વાત એ છે કે આ યુવક તણાઇ રહ્યો હતો, એ સમયે ત્યાં બેત્રણ યુવકો હાજર હતા, પરંતુ પાણીના અંડર કરન્ટ અને વમળમાં ફસાયેલા યુવકને બચાવી શક્યા નહોતા.
રત્નાગીરી જિલ્લાના ઘેડ તાલુકામાં શેલડી ડેમના પ્રવાહમાં આ 32 વર્ષીય યુવક તણાઇ ગયો હતો. હાલમાં તેના માટે સર્ચ ઓપરેશન ચાલુ છે, પણ તે જીવિત મળવાની શક્યતા ઘણી જ ઓછી છે. આ યુવકનું નામ જયેશ રામચંદ્ર આંબ્રે હોવાનું જાણવા મળ્યું છે. રવિવારે બપોરે આ ઘટના બની હતી, ત્યારથી તેને માટે સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક પાણીમાં ઘૂસ્યો કે તરત જ તે પાણીના વમળમાં ફસાઈ જાય છે. તે ઝડપથી વહેતા પાણીમાંથી પોતાની જાતને મુક્ત કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન, થોડી જ વારમાં તે પાણીના પ્રવાહની વચ્ચે ઉંડાણમાં પહોંચી જાય છે. હજુ સુધી યુવક વિશે કંઈ જાણવા મળ્યું નથી.
મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે, જેને કારણે ઘણી જગ્યાએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના રત્નાગીરીમાં આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. ત્નાગીરીમાં ભારે વરસાદને કારણે રોડ ધોવાઈ ગયો હતો. રત્નાગીરીના ઘેડ તાલુકામાં શિવતર-નામદારે વાડી રોડ ધોવાઇ ગયો છે.